Bombay High Court કહ્યું કે પ્રજાને લાંબા સમય સુધી પ્રતિનિધિ વગર રાખી શકાય નહિ
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચને પુણે લોકસભા બેઠકની પેટાચૂંટણી તાત્કાલિક યોજવાનો આદેશ કર્યો છે. 2019માં અહીંથી જીતેલા ભાજપના નેતા ગિરીશ બાપટના નિધન બાદ માર્ચ 2023થી આ સીટ ખાલી છે. હાઈ કોર્ટે ચૂંટણી ન કરાવવા અંગે પંચની દલીલો સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે ટિપ્પણીમાં કહ્યું હતું કે કોઈપણ વિસ્તારના લોકોને લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ વગર રાખી શકાય નહીં આથી શક્ય તેટલી જલ્દી ચૂંટણી પંચે ચૂંટણી યોજવી જોઇએ. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ કમલ ખાટા અને જસ્ટિસ ગૌતમ પટેલે કહ્યું કે હતું કે પુણે લોકસભા બેઠક પર ચૂંટણી ન યોજવી એ બંધારણીય જવાબદારીઓથી મોં ફેરવવા જેવું છે.
બોમ્બે હાઈ કોર્ટે પુણે લોકસભા બેઠક માટે ચૂંટણી યોજવાના મામલે સ્થાનિક રહેવાસી સુઘોષ જોશીની અરજી પર આ ગંભીર ટિપ્પણીઓ કરી હતી. જોશીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પુણેમાં લોકસભાની ચૂંટણી યોજવાની માંગ કરી હતી. અગાઉ પંચે સુનાવણીમાં કહ્યું હતું કે તેઓ 2024ની લોકસભા અને અન્ય રાજ્યોની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.
ત્યારે જો ચૂંટણી યોજાય તો વિજેતા ઉમેદવારને ખૂબ જ ટૂંકો કાર્યકાળ મળશે. પરંતુ અરજદારના એડવોકેટે જણાવ્યું હતું કે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ (ROPA) ની કલમ 151A નું પાલન કરીને ચૂંટણી કરાવવાની ECIની કાનૂની જવાબદારી છે. અરજદારે અગાઉ આયોગમાં આરટીઆઇ કરી જવાબ માંગ્યો હતો ત્યારે પણ પંચે એમ જ કહ્યું હતું કે વિજેતા અરજદારને ખૂબજ ટૂંકો સમયગાળો મળશે.
બોમ્બે હાઈ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે પુણેમાં ચૂંટણી ન યોજવી એ સમગ્ર લોકતાંત્રિક માળખાને નુકસાન પહોંચાડવા જેવું હશે. જ્યાં કાયદો અને વ્યવસ્થા સારી નથી ત્યાં ચૂંટણી સ્થગિત કરી શકાય છે, પરંતુ વ્યસ્તતાને કારણે ચૂંટણી થઈ શકતી નથી. આવું કારણ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.