સ્પોર્ટસ

કોલકાતા નાઇટ રાઇડર્સે શ્રેયસ ઐય્યરને ફરી બનાવ્યો કેપ્ટન, નીતીશ રાણાને સોંપી મહત્ત્વની જવાબદારી

કોલકાતા: આઈપીએલની આગામી સીઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓની હરાજી ૧૯મી ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. તે પહેલા બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. શ્રેયસ ઐય્યર આગામી સીઝનમાં ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ઈજાના કારણે તે ૨૦૨૩ની સીઝનમાં રમી શક્યો નહોતો. તેના સ્થાને નીતીશ રાણાએ કેપ્ટનશિપ સંભાળી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે શ્રેયસને ફરીથી કેપ્ટનશિપ સોંપવાની જાહેરાત કરી હતી. નીતીશ રાણા આ સીઝનમાં વાઇસ કેપ્ટન હશે. ઈજાના કારણે શ્રેયસે લંડનમાં સર્જરી કરાવી હતી. ફ્રેન્ચાઇઝીના સીઇઓ વેંકી મૈસૂરે કહ્યું કે તેઓ ખુશ છે કે શ્રેયસ પાછો ફર્યો છે અને કેપ્ટનશિપ સંભાળવા માટે તૈયાર છે. તેણે પોતાની ઈજામાંથી બહાર આવવા માટે જે રીતે મહેનત કરી છે અને તેણે જે ફોર્મ બતાવ્યું છે તે તેની મહેનતનું
પ્રમાણ છે.

શ્રેયસે સપ્ટેમ્બરમાં એશિયા કપમાંથી ટીમમાં વાપસી કરી હતી. તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં તેણે ચોથા નંબર પર મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઐય્યરે ૧૧ ઇનિંગ્સમાં ૬૬.૨૫ની સરેરાશથી બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી ૫૩૦ રન કર્યા હતા.

ફરીથી કેપ્ટન બનવા પર શ્રેયસે કહ્યું, હું માનું છું કે ગત સૂઝનમાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો હતો, જેમાં ઈજાના કારણે મારી ગેરહાજરી પણ સામેલ હતી. નીતીશે માત્ર મારી જગ્યા ભરવામાં જ નહીં પરંતુ તેમના પ્રશંસનીય નેતૃત્વથી પણ ઘણું સારું કામ કર્યું છે. હું ખુશ છું કે કેકેઆરએ તેને વાઇસ કેપ્ટન બનાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button