
સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી ઊંચો જમ્પ, સોનામાં ૧૧૦૦થી મોટો ઉછાળો
નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે આ વખતે ફુંફાડો મારવાને બદલે વ્યાજકાપનો સફેદ વાવટો લહેરાવ્યો હોવાથી વિશ્ર્વભરના બજારોમાં તેજીનો પવન ફૂંકાયો હતો, જેને પરિણામે સ્થાનિક શેરબજાર સાથે બુલિયન માર્કેટમાં પણ ધગધગતી તેજી જોવા મળી હતી. બજારમાં
જાણે સેન્ટા રેલી અત્યારથી શરૂ થઇ ગઇ હોય એવો માહોલ સર્જાયો છે. નિષ્ણાતો માને છે કે તેજી આગળ વધી શકે એવા તમામ પરિબળ મોજૂદ છે. નિફ્ટી માટે હવે ૨૧,૦૨૦ ટેકાની સપાટી છે, જ્યારે રેઝિસ્ટન્સ ૨૧,૪૦૦ની બનશે.
યુએસ ફેડરલના ડોવિશ ટોનથી વૈશ્ર્વિક બજાર પાછળ સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૦૧૮.૨૯ પોઇન્ટ સુધી ઊંચે ગયો હતો. જ્યારે ઝવેરી બજારમાં સોનાનો ભાવ દસ ગ્રામે રૂ. ૧૧૯૫ના ઉછાળા સાથે ૬૨,૦૦૦ની સપાટી વટાવી ગયું અને ચાંદી પણ કિલોએ રૂ. ૩૦૯૫ના તોતિંગ ભાવ સાથે રૂ. ૯૩,૦૦૦ની ઉપર પહોંચી ગઇ છે.
શેરબજારમાં સેન્સેક્સ અંતે ૯૩૦ના ઉછાળે ૭૦,૫૧૪.૨૦ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટની છલાંગ સાથે ૨૧,૧૮૨.૭૦ની વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો.
આ ઉછાળા સાથે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના શેરનું કુલ બજારમૂલ્ય રૂ. ૩૫૫ લાખ કરોડની ઊંચી સપાટીએ પહોંચ્યું છે, જે એ દર્શાવે છે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૮૩ લાખ કરોડનો ઉમેરો થયો છે.
ફેડરલ રિઝર્વે આવતા વર્ષે ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકવાની સંભાવના જાહેર કરી હોવાથી આ તેજીનું તોફાન ઉમટ્યું છે. ફેડરલના આ સંકેત બાદ અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડેક્સની રેકોર્ડ બ્રેકિંગ તેજીએ વિશ્ર્વના ઇકવિટી બજારોને નવા રેકોર્ડ તરફ દોર્યા છે.
આ ઉપરાંત યુએસ ૧૦-વર્ષની યીલ્ડ ચાર ટકા સુધી ઘટવાથી ભારતમાં મોટા પાયે મૂડીનો પ્રવાહ શરૂ થશે.
એ નોંધવું રહ્યું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) પાછલા કેટલાક સત્રથી નેટ બાયર્સ બન્યા છે અને એક્સચેન્જના ડેટા અનુસાર આ સત્ર સહિતના બે સત્રમાં જ એફઆઇઆઇએ રૂ. ૮૦૦૦ કરોડની ચોખ્ખી લેવાલી નોંધાવી છે.