મેટિની

ક્યા સે ક્યા હો ગયા હાઈલાઈટ્સ ૨૦૨૩

વર્ષના અંતે ‘યે ક્યા હો ગયા’ જેવી સિનેમેટિક ઘટનાઓનું સરવૈયું

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

વર્ષ ૨૦૨૩ના આખરી દિવસોમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ યર એન્ડ સ્પેશ્યલ ટાઈમ આવી ગયો છે. એન્ટરટેઇન્મેન્ટ વર્લ્ડમાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જેની ચર્ચા સિનેમાના ચોરે વર્ષ દરમિયાન થતી હોય છે. દરેક ભાષા અને મીડિયમમાં ધાર્યા બહારની સફળતા અને નિષ્ફ્ળતા દરેકના હિસ્સે આવતી જ હોય છે. મતલબ એવી પણ સિનેમેટિક મોમેન્ટ્સ હોવાની જેમાં ઇન્ડસ્ટ્રીના લોકો કે દર્શકો નાખુશ થઈ બોલી ઊઠે કે ‘યે ક્યા હો ગયા’. ચાલો જોઈએ ૨૦૨૩ની એવી જ અમુક હાઇલાઇટ્સ. લેટ્સ રિવાઇન્ડ:
આદિવિરોધ
‘આદિપુરુષ’ ફિલ્મ અનેક સ્તરે ખરાબ હોવાના એવા તો રેકોર્ડ બનાવી ચૂકી છે કે ગયા વર્ષે ટીઝર રિલીઝ થયું ત્યારે નબળા વીએફએક્સના કારણે ૨૦૨૨ની યાદીમાં પણ અહીં સ્થાન પામી હતી. ત્યારે રિલીઝ પાછી ઠેલીને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ થઈ, પણ વાર્તા, સંવાદો, વિચિત્ર ડિરેક્શન અને અજીબોગરીબ વીએફએક્સના કારણે ફિલ્મ વધુ જ ડેમેજ કરી બેઠી. અપ્રમાણિક પ્રોજેક્ટને ધાર્મિક લાગણીનાં જોરે વેચવા નીકળેલી ટીમ પર યોગ્ય રીતે જ મહાકાય મગરમચ્છ ધોવાયા અને હજુ સુધી સંવાદ લેખક મનોજ મુન્તશીરે (શુક્લા?) ઘમંડમાં શરૂઆતમાં કરેલા વિરોધના વિરોધમાં માફી તો માંગવી જ પડી, પણ અપવાદ બાદ કરતા હજુ સુધી મીડિયા સામે મોં દેખાડી શકવાની હિંમત પણ કરી નથી.

સોરી, એમસીયુ
સિનેમા ઇતિહાસની સફળતમ ફિલ્મ ફ્રેન્ચાઇઝ એટલે કે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની કોઈ ફિલ્મ તેના બજેટ કરતા પણ ઓછી કમાણી કરી શકે એ શક્ય છે? વેલ ૨૦૨૩માં આવું બન્યું છે. એમસીયુની લેટેસ્ટ ફિલ્મ ધ માર્વેલ્સ’ના કિસ્સામાં આ કમનસીબી લખાઈ છે. ૨૦૧૯ પછી ‘ધ મલ્ટીવર્સ સાગા’માં ગુણવત્તામાં ઘટાડો, કોન્ટેન્ટ માત્રામાં વધારો, સુપરહીરો ફટિગ અને નવા હિરોઝની એન્ટ્રી જેવા કારણોસર લોકોમાં એમસીયુનો ક્રેઝ ઘટ્યો એ ખરું, પણ ‘સિક્રેટ ઇન્વેઝન’ શોના રેટિંગ્સ અને ‘ધ માર્વેલ્સ’ના બોક્સઓફિસ અંકોના કારણે માર્વેલ અત્યારે ઓલટાઈમ લો પોઝિશન પર ગણાય. હા, ‘લોકી’ સીઝન ૨ જેવા શોઝની અફલાતૂન પ્રશંસા પછી માર્વેલ તેની ખ્યાતિ પાછી મેળવશે એવી આશા તો હજુ છે જ.

એ ગણપત, ચલ બાજુ હટ
દિગ્દર્શક વિકાસ બહલની લેટેસ્ટ ફિલ્મ ‘ગણપત અ હીરો ઇઝ બોર્ન’ પાસેથી આમ તો ખાસ સૌને કોઈ આશા નહોતી. કેમ કે એ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ્સની યાદીમાં હતી નહીં, ઉપરાંત ટાઇગર શ્રોફની લગાતાર ફિલ્મ્સ ફ્લોપ જઈ રહી છે જેથી કોઈ હાઇપ પણ ઊભો નહોતો થયો. પણ ફિલ્મની ફ્યુચરિસ્ટિક થીમ, પાર્ટ વન હોવાની પહેલેથી ઘોષણા અને કાસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ જોઈને થાય કે આ બિગ બજેટ ફિલ્મ કદાચ વળતર તો મેળવી જ લેશે. પણ એવું થયું નહીં. હમણાંના ટ્રેન્ડ પ્રમાણે પાર્ટ વન લખી દીધા પછી સફળતાની ગેરેન્ટી તો નથી જ મળતી પણ હાસ્યાસ્પદ જરૂર ઠરાય છે. ખેર, ટાઇગરને એક્શન સિવાય તો કશું આવડતું નથી, તો હવે તેનું શું થશે?
તેજસ ક્રેશ લેન્ડ
ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલ્ફ પ્રોક્લેઇમ્ડ ક્વિન કંગના રનૌત પણ ‘આદિપુરુષ’ની જેમ લગાતાર બીજા વર્ષે આ કટારની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ થઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંગના લગાતાર ચાર ફિલ્મ્સ ફ્લોપ આપી ચૂકી છે. એમાં બે તમિલ ફિલ્મ સામેલ છે તો પણ તેને કશો ફાયદો નથી મળ્યો. તે અદાકારા સારી છે, પણ તેનું બડબોલાપણું હવે લોકો માટે ઓવરડોઝ થઈ ગયું છે. એટલે જ ‘તેજસ’ના નબળા કલેક્શનના આંકડાઓ જોઈને તેણે દેશની જનતાને નામે એક વીડિયો જારી કર્યો એવી વિનંતી કરતો કે ફિલ્મ સારી છે, પ્લીઝ જોવા જાઓ ને. પણ ૭૦ કરોડમાં બનેલી ‘તેજસ’ માંડ ૪.૨૫ કરોડ જ કમાણી કરી શકી. કદાચ હવે તે સુધરી જાય તેમ બને.

હડતાલ હાઉસ હોલીવૂડ
બહેતર વર્ક કલ્ચર માટે જાણીતા હોલીવૂડે ૨૦૨૩માં બે-બે મોટી હડતાલનો માર સહન કરવો પડ્યો. કામ અને પેમેન્ટની બાબતોમાં મોટા સ્ટુડિયોઝ દ્વારા ન્યાયી પ્રક્રિયા ન થતી હોવાના મુદ્દે અમેરિકામાં પહેલા લેખકોએ સ્ટ્રાઇક કરી અને પછી એક્ટર્સે. હોલીવૂડે જોયેલી લેખકોની આ સૌથી લાંબી સ્ટ્રાઇક હતી. લેખકોના યુનિયન ડબલ્યુજીએ (રાઈટર્સ ગીલ્ડ ઓફ અમેરિકા) અને એક્ટર્સના યુનિયન સેગ-એફટ્રા (સ્ક્રીન એક્ટર્સ ગીલ્ડ-અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ) દ્વારા સ્ટુડિયો પ્રોડ્યુસર્સના યુનિયન એએમપીટીપી (અલાયન્સ ઓફ મોશન પિક્ચર્સ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ) સામેની હડતાલ જોકે મોટાભાગની માગ સ્વીકાર્યા બાદ વર્ષ પૂર્ણ થતા પહેલાં સમેટી લેવામાં આવી એટલે પાછી હોલીવૂડના હૈયે હામ આવી છે.

સુપર બોરડમ સ્ટાર્સ
કાં વાર્તામાં દમ હોવો જોઈએ કાં ટ્રીટમેન્ટ મજેદાર હોવી જોઈએ. નહીં તો ફિલ્મ્સ મોટા સ્ટાર્સની હશે તો પણ તેને જાકારો આપવામાં આવશે એવું આ વર્ષે દર્શકોએ નક્કી કર્યું હોય તેવું લાગે છે. અક્ષય કુમારની ‘ઓએમજી ૨’ સારી વાર્તાના કારણે સફળ થઈ બાકી સેલ્ફી’ અને ‘મિશન રાનીગંજ’ની તો સરખી જાણ પણ તેના ફેન્સને ન થઈ એવું લાગ્યું. સલમાન ખાનની પણ કિસી કા ભાઈ કિસી કી જાન’ અને ‘ટાઇગર ૩’ તેની શાખ પ્રમાણે સુપરહિટ ન થઈ અને બજેટ જેટલું વળતર માંડ મેળવી શકી. કારણ તેની ફિલ્મ્સમાં હવે દર્શકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. બિગ સ્ટાર પ્રભાસને ૨૦૨૩ની ‘આદિપુરુષ’ તો શું ‘બાહુબલી’ પછી એક પણ ફિલ્મ નથી ફળી. જોઈએ ‘સાલાર’ તેના માટે વર્ષના અંતે ખુશી લાવી શકે છે કે કેમ.
ડિઝની સો,
સક્સેસની ખો
૨૦૨૩નું વર્ષ એટલે વિશ્ર્વના સૌથી મોટા અને જૂના ફિલ્મ સ્ટુડિયોઝમાંના એક એવા ડિઝનીની સ્થાપનાનું ૧૦૦મું વર્ષ. આટલા વર્ષોમાં અનેક સફળ અને ક્લાસિક ફિલ્મ્સ આપનાર ડિઝનીને સ્વાભાવિક જ ૧૦૦મા વર્ષની ખાસ ઉજવણી વધુ એક બ્લોકબસ્ટર વર્ષ થકી કરવી હોય, પણ દુર્ભાગ્યે ડિઝની માટે ૨૦૨૩નું વર્ષ અતિ નિરાશાજનક રહ્યું છે. ડિઝની એમસીયુ, પિક્સાર, ‘એવેટાર’, ‘સ્ટાર વોર્સ’ જેવી મોટી બ્રાન્ડ્સની માલિકી ધરાવે છે પણ આ વર્ષે તેમાંથી ખાસ કશું ઉપજી શક્યું નથી. સ્ટ્રાઇક્સ, મિક્સ્ડ રિવ્યૂઝ અને ઓવર બજેટ ફિલ્મ્સને કારણે ‘ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટીની’, ‘એન્ટમેન એન્ડ ધ વાસ્પ: ક્વાન્ટમેનિયા’, ‘વિશ’, ‘ધ માર્વેલ્સ’, ‘હોન્ટેડ મેન્શન’ જેવી ફિલ્મ્સ બોક્સઓફિસ પર નિષ્ફ્ળ ગઈ છે. જોઈએ ૨૦૨૪નું વર્ષ ડિઝની માટે ૧૦૧નો ચાંદલો કરી શકે છે કે કેમ.

બેશરમ રેસ્ક્યૂ

દર્શકોની લાગણીને સ્પર્શે તેવી ફિલ્મ્સના સફળ થવાના ચાન્સ વધુ હોય છે. ભારતીય નિર્માતાઓ રાષ્ટ્રની લાગણીને કેન્દ્રમાં રાખીને એટલા માટે જ ઐતિહાસિક, બાયોપિક, સ્વાતંત્ર્ય લડાઈ, યુદ્ધ, હોનારત જેવા વિષયો પરથી ફિલ્મ્સ બનાવતા હોય છે. પણ ફિલ્મ્સની સફળતા અને કમાણીના ચક્કરમાં જે-તે વિષય સાથે જોડાયેલી લાગણી બાજુમાં રહી જતી હોય છે. ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને હજુ તો બહાર પણ નહોતા કાઢી શકાયા ત્યાં પ્રોડ્યુસર્સ એસોસિએશનની ઓફિસીઝમાં રેસ્ક્યૂ’, ‘રેસ્ક્યૂ ૪૧’, ‘મિશન ૪૧’ જેવા શીર્ષકો નોંધાવવા માટે શરમ બાજુએ મૂકીને પ્રોડ્યુસર્સે હોડ લગાવી હતી. નામ નોંધાવવાની હોડ જેટલી જ સારી ફિલ્મ્સ બનાવવાની હોડ જો તેઓ લગાવે તો કંઈક મનોરંજન દેવ પ્રસન્ન થાય!

લાસ્ટ શોટ
કંગના રનૌતે એક્ટર વિક્રાંત મેસ્સીને એકવાર કોક્રોચ કહ્યું હતું. કંગનાની ડિઝાસ્ટર ‘તેજસ’ની સાથે જ રિલીઝ થયેલી ખૂબ વખણાયેલી અને સફળ ફિલ્મ ‘ટવેલ્થ ફેઈલ’નો મુખ્ય અભિનેતા એટલે વિક્રાંત મેસ્સી!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત