બેડરૂમમાં કૅમેરા લગાવવાનું યુટ્યૂબરને ભારે પડ્યું: તેનો જ નિર્વસ્ત્ર વીડિયો થયો વાયરલ
મુંબઈ: બાન્દ્રામાં રહેતા યુટ્યૂબરને સુરક્ષા માટે બેડરૂમમાં સીસીટીવી કૅમેરા લગાવવાનું ભારે પડી ગયું હતું. અજાણ્યા શખસે કથિત રીતે કૅમેરાનું ગેરકાયદે એક્સેસ મેળવી યુટ્યૂબરનો જ નિર્વસ્ત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
બાન્દ્રા પશ્ર્ચિમમાં રહેતા 21 વર્ષના યુટ્યૂબરે આ મામલે સોમવારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ્સ પર વાયરલ થયેલા ફરિયાદીના નિર્વસ્ત્ર વીડિયો પર મિત્રોની નજર પડી હતી. આ અંગે મિત્રોએ 9 ડિસેમ્બરે ફરિયાદીને જાણ કરી હતી.
ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર)માં જણાવાયું હતું કે ફરિયાદીએ સિક્યોરિટીના કારણસર બેડરૂમમાં પણ સીસીટીવી કૅમેરા લગાવ્યો હતો. 17 નવેમ્બરે બપોરે નાહીને યુટ્યૂબર બાથરૂમમાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં બેડરૂમમાં આવ્યો હતો, જેનું રેકોર્ડિંગ સીસીટીવી કૅમેરામાં થઈ ગયું હતું. ફરિયાદીના કહેવા મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો 17 નવેમ્બરનો જ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અજાણી વ્યક્તિએ કૅમેરાનું એક્સેસ મેળવીને ફૂટેજ પ્રાપ્ત કર્યા હોવાનો દાવો ફરિયાદમાં કરાયો હતો. આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની કલમ 500 અને અન્ય સુસંગત કલમો તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)