નાગપુર: ડેપ્યુટી સીએમ અજિત પવાર, જેઓ પોતાના બેફામ નિવેદનો માટે લાઇમલાઇટમાં રહે છે, તેમના વધુ એક નિવેદનને લઈને વિવાદમાં ફસાયા છે. નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં મરાઠા આરક્ષણના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. વિધાન પરિષદમાં કોંગ્રેસના જૂથના નેતા સતેજ બંટી પાટીલે સારથી દ્વારા વિદ્યાર્થીઓને પીએચડી માટે ફેલોશિપ આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે સરકારે એવો નિર્ણય લીધો છે કે માત્ર 200 વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. પાટીલે આ સંખ્યા વધારવાની માગ કરી હતી.
આના જવાબમાં અજિત પવારે કટાક્ષ કરતાં કહ્યું કે બધા યુવાનો પી.એચ.ડી થઇને કઇ ધાડ મારી લેશે? સાદી ભાષામાં કહીએ તો પીએચડી કર્યા પછી યુવાનો શું તીર મારશે? હવે આ નિવેદનને લઈને વિપક્ષે તેમના પર પ્રહારો કર્યા છે.
ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે અજીતના નિવેદન પર માત્ર એક વાકયમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે વડાપ્રધાન મોદી પહેલાથી જ શિક્ષિત યુવાનોને પકોડા તળવાની સલાહ આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ડેપ્યુટી સીએમ આવું નિવેદન આપે તો નવાઈ નહીં.
વિદ્યાર્થીઓ પર શંકા કરવી યોગ્ય નથી
અજિત પવારના ભત્રીજા અને એનસીપી વિધાનસભ્ય રોહિત પવારે કહ્યું કે યુવકની ક્ષમતા પર કોઈને શંકા ન કરવી જોઈએ. જે યુવાનો પાસે ક્ષમતા અને બુદ્ધિ છે પણ પૈસા નથી. એવા વિદ્યાર્થીઓ સરકારી શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે હું આવા નિવેદનોની નિંદા કરુ છું.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નિવેદનની ટીકા કરતા લેતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ સત્તાના નશામાં છે. તેમણે કહ્યું કે શિક્ષણ એ આપણા સૌનો અધિકાર છે. શાહુ, ફુલે અને આંબેડકરે રાજ્યમાં શિક્ષણના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ કારણે મહિલાઓ શિક્ષણ દ્વારા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ અને દેશના વરિષ્ઠ અધિકારીઓના હોદ્દા પણ સંભાળી શકે છે.