સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ શકે છે મોહમ્મદ શમી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. એક રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. એક રિપોર્ટ અનુસાર, મોહમ્મદ શમી હજુ પણ પગની ઘૂંટીની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તે ટેસ્ટ માટે પસંદ કરાયેલા બાકીના ખેલાડીઓ સાથે દક્ષિણ આફ્રિકા જશે નહીં. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
30 નવેમ્બરે જ્યારે બીસીસીઆઇએ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી ત્યારે શમીને માત્ર ટેસ્ટ ટીમમાં જ પસંદ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે શમીની સારવાર ચાલી રહી છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર રહેશે.
શમીએ વન-ડે વર્લ્ડ કપમાં માત્ર 7 મેચ રમી જેમાં સૌથી વધુ 24 વિકેટ ઝડપી હતી. શમીએ અત્યાર સુધીમાં 64 ટેસ્ટ રમી છે, જેમાં તેણે કુલ 229 વિકેટ ઝડપી છે.