શું શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે? તો ગ્લોઈંગ સ્કિન માટે અપનાવો આ ઘરેલું ઉપાય
શુષ્ક ત્વચા એવી સ્થિતિ છે જેમાં શિયાળા દરમિયાન ભેજના અભાવે ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. શિયાળા દરમિયાન ત્વચામાંથી હણાઇ ગયેલા ભેજને પાછો લાવવા માટે આપણે સામાન્ય રીતે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ. શુષ્ક ત્વચાના ઘણા કારણ હોઇ શકે છે.
હવામાનમાં ફેરફાર, સાબુ અને ક્રીમમાં રહેલા રસાયણો, સોરાયસીસ, ખરજવું, ગરમ પાણીથી સ્નાન/શાવર અને ત્વચા સાફ કરનારા બોડીવૉશના વધુ પડતા ઉપયોગને કારણે શુષ્ક ત્વચા થઈ શકે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને એલર્જી માટે લેવામાં આવતી કેટલીક દવાઓ પણ શુષ્ક ત્વચાનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ આનાથી બચવાના કેટલાક ઘરેલું ઉપાય જે તમને શિયાળામાં શુષ્ક ત્વચાથી બચાવશે.
એલોવેરાઃ
એલોવેરા જેલ તેના ભેજયુક્ત ગુણધર્મોને કારણે શુષ્ક અને ખરબચડી ત્વચાની સારવાર માટે શ્રેષ્ઠ ઉપાય છે. એલોવેરાના પાનમાંથી જેલ કાઢો. આ જેલને ચહેરા પર લગાવો અને મસાજ કરો, જેથી તે ત્વચામાં શોષાઈ જાય.
દહીંઃ-
આ મોઇશ્ચરાઇઝિંગ સ્ક્રબ ત્વચાને એક્સફોલિએટ કરશે અને ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવશે. તેના માટે અડધા કપ દહીંમાં 3 ચમચી મધ મિક્સ કરો. તેમાં 3 ચમચી દાણાદાર ખાંડ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. આ સ્ક્રબને તમારા આખા ચહેરા પર લગાવો અને 3-4 મિનિટ સુધી તમારા ચહેરાની મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.
ઓટ્સઃ-
ઓટમીલમાં બળતરા વિરોધી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે શુષ્ક ત્વચાની સારવાર કરવામાં મદદ કરે છે. 1/4 કપ દૂધ સાથે 3 ચમચી ઓટમીલ, એક ચમચી મધ મિક્સ કરીને મોઇશ્ચરાઇઝિંગ ફેસ પેક બનાવો. તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.
લીમડાના પાનઃ-
લીમડાના પાન ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે અને ખંજવાળ પણ ઘટાડે છે. 2 ચમચી લીમડાના પાનનો પાવડર એક ચમચી મધ અને હળદર પાવડર સાથે મિક્સ કરો. સ્મૂધ પેસ્ટ બનાવવા માટે સારી રીતે મિક્સ કરો. પેસ્ટને ચહેરા પર લગાવો અને 10-12 મિનિટ સુકાવા દો. તેને પાણીથી ધોઈ લો. જો તમારી ત્વચા ખૂબ શુષ્ક છે તો તેમાં થોડું મિલ્ક ક્રીમ ઉમેરો.
લીંબુઃ-
2 ચમચી લીંબુના રસમાં એક ચમચી મધનું મિશ્રણ લગાવવાથી શિયાળા દરમિયાન ભેજ જાળવી રાખવામાં મદદ મળે છે. મધ સાથે લીંબુનો રસ મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. તેને પાણીથી ધોઈ લો.
નાળિયેર તેલઃ-
નાળિયેર તેલમાં તંદુરસ્ત ફેટી એસિડ હોય છે જે ત્વચાના કુદરતી ભેજને સાચવવામાં મદદ કરે છે. ઝડપી લાભ માટે તમે દિવસમાં એક કે બે વાર થોડું ગરમ નાળિયેર તેલ વડે તમારી ત્વચાના શુષ્ક વિસ્તારોની માલિશ કરી શકો છો.