તાઇવાન પર હુમલો ચીનની મોટી ભૂલ હશે હિંદ મહાસાગરમાં ફસાઇ જશે ડ્રેગન
ચીન અને તાઈવાન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. જો કે, રાજકીય વિશ્લેષકોનું જો ચીન આવું કરશે તો તે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. હકીકતમાં ચીન હિંદ મહાસાગરમાં અટવાઈ શકે છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધની સ્થિતિમાં ચીનનો હિંદ મહાસાગરમાં તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે.
એક અહેવાલ અનુસાર દરરોજ લગભગ 60 મોટા ચીની ઓઈલ કેરિયર જહાજો ઈરાનની ખાડીમાંથી હિંદ મહાસાગરમાં પ્રવેશ કરે છે અને પછી દક્ષિણ ચીન સાગર થઈને ચીન પહોંચે છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનના નૌકાદળનું વર્ચસ્વ છે, પરંતુ હિંદ મહાસાગર એક એવો વિસ્તાર છે જ્યાં ચીન પાસે કોઈ નોંધપાત્ર હવાઈ સમર્થન કે મોટું લશ્કરી મથક નથી.
આવી સ્થિતિમાં હિંદ મહાસાગરમાં ચીનના તેલવાહક જહાજોને સરળતાથી રોકી શકાય છે અથવા તો નષ્ટ કરી શકાય છે. જો આવું થાય તો વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ખોરવાઇ શકે છે. એમ ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીના સુરક્ષા બાબતોના નિષ્ણાત જણાવે છે. સુરક્ષા સમીક્ષકોનું કહેવું છે કે જો ચીન રશિયા અને યુક્રેન જેવા લાંબા યુદ્ધમાં ફસાઈ જશે તો હિંદ મહાસાગરમાં ચીનની નબળાઈ તેના માટે ઘાતક સાબિત થશે અને તેની અર્થવ્યવસ્થા પર ગ્રહણ લાગી જશે.
નોંધનીય છે કે ચીને નવેમ્બર સુધી છેલ્લા 11 મહિનામાં 510 મિલિયન ટનથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરી છે.
સત્તાવાર માહિતી અનુસાર, ચીનની તેલની આયાતમાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર ચીનનું લગભગ 62 ટકા ક્રૂડ ઓઈલ અને 17 ટકા પ્રાકૃતિક ગેસ સ્ટ્રેટ ઓફ મલક્કા અને સાઉથ ચાઈના સમુદ્રથી થઈને આવે છે અને આ રસ્તો હિંદ મહાસાગરમાંથી પસાર થાય છે. આ સાથે ચીનમાં પશુઓને ખવડાવવા માટેના સોયાબીન પણ આ માર્ગ દ્વારા આયાત કરવામાં આવે છે.
ચીન પાસે સૈન્ય ઉપગ્રહોનું મોટું નેટવર્ક છે, પરંતુ હિંદ મહાસાગરમાં ચીન પાસે માત્ર એક જ સૈન્ય મથક છે પરંતુ તેને પણ હવાઈ સમર્થન નથી. ઓક્ટોબરમાં જાહેર કરાયેલા પેન્ટાગોનના રિપોર્ટ અનુસાર, હિંદ મહાસાગરમાં ચીનના પાકિસ્તાન, તાંઝાનિયા અને શ્રીલંકામાં બેઝ છે, પરંતુ અત્યાર સુધી આ બેઝ માત્ર વેપાર પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત છે. જીબુટીમાં ચીનનું સૈન્ય મથક છે, પરંતુ ત્યાં કોઈ હવાઈ ક્ષેત્ર નથી. આ ઉપરાંત આ મિલિટરી બેઝ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના મિલિટરી બેઝથી પણ ઘેરાયેલો છે. તેની સામે હિંદ મહાસાગરમાં અમેરિકાની નોંધપાત્ર હાજરી છે.
અમેરિકાનો પાંચમો કાફલો બહેરીનમાં તૈનાત છે. ઉપરાંત, તેનો સાતમો કાફલો ડિએગો ગાર્સિયા ટાપુ પરથી કાર્યરત છે, જ્યારે તેનું મુખ્ય મથક જાપાનમાં છે. ડિએગો ગાર્સિયા બ્રિટન દ્વારા સંચાલિત છે અને તે લાંબા અંતરના બોમ્બર્સ તેમજ યુએસ એરક્રાફ્ટ કેરિયર્સનું ઘર છે. પૂર્વમાં ઓસ્ટ્રેલિયા પણ સમુદ્રમાં સતત દેખરેખ વધારી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પી-8 પોસાઇડન એરક્રાફ્ટ અને યુએસ અને બ્રિટનની ન્યુક્લિયર સબમરીન પશ્ચિમ કિનારા પર સતત દેખરેખ વધારી રહી છે.
એવું નથી કે ચીનને હિંદ મહાસાગરમાં તેની નબળાઈની જાણ નથી. ચીન પણ ધીમે ધીમે પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. ચારથી પાંચ ચીની સર્વેલન્સ જહાજો હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ કરે છે અને એટલી જ સંખ્યામાં યુદ્ધ જહાજો અને સબમરીન પણ અહીં પહોંચી શકે છે. આ ઉપરાંત, ચીને તેની પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલો પણ હેનાન દ્વીપ પર તેના સૈન્ય મથકની નજીક તૈનાત કર્યા છે.
જ્યારથી શી જિનપિંગ સત્તામાં આવ્યા છે ત્યારથી ચીનની સેના સતત પોતાનું આધુનિકીકરણ કરી રહી છે અને પોતાની ક્ષમતાઓમાં વધારો કરી રહી છે. કોઈપણ પ્રકારની નાકાબંધીથી બચવા માટે ચીને 60 દિવસ માટે પૂરતો તેલનો ભંડાર રાખ્યો છે. ચીન પાસે કુદરતી ગેસ અને ખાદ્ય ભંડાર પણ છે. આ સિવાય ચીન અલગ-અલગ દેશોમાંથી પોતાનું ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસ આયાત કરી રહ્યું છે જેથી તેને હિંદ મહાસાગરના માર્ગ પર વધુ નિર્ભર ના રહેવું પડે.