“Animal Park” માટે સાઉથની આ અભિનેત્રીનો ડિરેક્ટર વાંગાએ કર્યો સંપર્ક..
બોલીવુડની લેટેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ના બીજા ભાગમાં કયા કયા કલાકારોને લેવામાં આવશે તે મુદ્દાને લઇને અનેક અફવા ઉડી રહી છે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘એનિમલ’નો બીજો ભાગ ‘એનિમલ પાર્ક’ના નામે બનવાનો છે. બીજા ભાગમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા માટે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ સાઉથની અભિનેત્રી માલવિકા મોહનનો સંપર્ક કર્યો છે, જો ખરેખર તે આ ફિલ્મનો ભાગ બને તો ફરીવાર આ ફ્રેન્ચાઇઝીમાં સાઉથ અને બોલીવુડનું મિશ્રણ જોવા મળશે.
એનિમલનું કાસ્ટિંગ જ્યારે નક્કી કરાયું ત્યારે સાઉથ અને નોર્થ બંને ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. હવે આ જ ફોર્મ્યુલા બીજા ભાગમાં પણ આગળ વધારીને રણબીર સાથે માલવિકા મોહનની જોડી રચાય તેવી સંભાવનાઓ છે. જોકે, ફિલ્મ સર્જક સંદિપ રેડ્ડી વાંગાએ કે પછી માલવિકાએ પોતે પણ આ ફિલ્મ બાબતે હજુ કોઈ ફોડ પાડયો નથી.
માલવિકા મોહન મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે ઘણા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી ચુકી છે.
એક અહેવાલ મુજબ સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે જો ‘એનિમલ’ને સકારાત્મક પ્રતિસાદ મળશે તો તે રણબીર કપૂર સાથે ફરીથી કામ કરશે અને આ વખતે તે વધુ ડાર્ક અને હિંસક ફિલ્મ બનાવશે. એવામાં ‘એનિમલ’ની સફળતાથી હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે ‘એનિમલ’ પાર્ક સંદીપ અને રણબીરના કરિયરની સૌથી ડાર્ક ફિલ્મ બની શકે છે.