મનોરંજન

પ્રભાસનો પ્રભાવઃ તેની ફ્લૉપ ફિલ્મએ પણ શાહરૂખ-સન્નીની હીટ ફિલ્મ કરતા કરી વધારે કમાણી

વર્ષ 2023 બોલીવૂડ માટે સરવાળે સારું જ રહ્યું અને ખાસ કરીને એ અભિનેતાઓને ફાયદો થયો જેમની ઘણા સમયથી ફિલ્મ આવી ન હતી કે હીટ ફિલ્મ આવી ન હતી. જેમાં શાહરૂખ ખાન અને સન્ની દેઓલનો સમાવેશ થાય છે. શાહરૂખને ચારેક વર્ષ બાદ આ વર્ષમાં બે હીટ ફિલ્મ મળી છે અને સન્ની દેઓલે પણ ગદર-ટુમાં ધોમ કમાણી કરી છે. આ ત્રણેય ફિલ્મો સુપરહીટ રહી અને બૉક્સઓફિસને છલકાવી દીધી, પણ તેમ છતાં દક્ષિણ ભારતના અભિનેતાએ આ બન્નેને પાછળ છોડી દીધા અને તે પણ પોતાની ફલૉપ અને વિવાદીત ફિલ્મથી.

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ પીટાઈ ગઈ. તેના કરતા પણ વધારે ભારે વિવાદ થયો અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ દર્શકોના રોષનો શિકાર બન્યા. તેમ છતાં આ ફિલ્મની ઓપનિંગ એસઆરકેની બન્ને ફિલ્મો કરતા સારી થઈ અને તેણે સારી એવી કમાણી કરી નાખી. વર્ષ 2023 ઘણી રીતે બોલિવૂડના બાદશાહ શાહરૂખના નામે રહ્યું છે. શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’થી જબરદસ્ત વાપસી કરી હતી, જ્યારે તે જ વર્ષે તેની બીજી ફિલ્મ ‘જવાન’એ પણ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી હતી.

શાહરુખની સાથે સલમાન ખાન અને સની દેઓલ માટે પણ આ વર્ષ ઘણું સારું રહ્યું છે અને વર્ષના અંતે રણબીર કપૂરે પણ ‘એનિમલ’ દ્વારા હલચલ મચાવી છે. પરંતુ જો ઓપનિંગ કમાણીના દૃષ્ટિકોણથી જોઈએ તો બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસની ફ્લોપ ફિલ્મ સામે પણ આ બધી ફિલ્મો ઝાંખી પડી ગઈ. તાજેતરમાં, આ વર્ષની એટલે કે 2023ની તે ટોચની ફિલ્મોની યાદી બહાર પાડવામાં આવી છે જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરીને જબરદસ્ત ધૂમ મચાવી છે. આ લિસ્ટમાં સારું ઓપનિંગ મેળવનારી ફિલ્મોની યાદી છે જેમાં પ્રભાસની ફિલ્મ આદિપુરુષ ટોચ પર છે. આ ફિલ્મે ઓપનિંગ કમાણી તરીકે 89 કરોડની કમાણી કરી છે. જોકે ફિલ્મ બનાવવામાં થયેલો ખર્ચ જોતા તે બધી રીતે ફ્લોપ જ ગણાય.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન આ લિસ્ટમાં બીજા સ્થાને છે, જેણે ઓપનિંગ દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રીજા નંબર પર થાલાપતિ વિજયની ફિલ્મ લિયો છે જેણે શરૂઆતના દિવસે 66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચોથા નંબર પર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ (63.80) અને પાંચમા નંબરે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ છે. પઠાણે શરૂઆતના દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી આવે છે જેલર (49 કરોડ), ટાઇગર 3 (44.5 કરોડ). આ પછી સની દેઓલની ફિલ્મો ગદર 2 (40.10 કરોડ), વીરા સિમ્હા રેડ્ડી (34 કરોડ) અને બ્રો (30 કરોડ)નો સમાવેશ થાય છે. હજુ એસઆરકેની ડંકી અને પ્રભાસની સલાર આ વર્ષના અંતમાં રીલિઝ થશે. હવે બન્નેને કેવુ ઑપનિંગ મળે છે તે જોવાનું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button