મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે ગુજરાત અગ્રેસર, મહારાષ્ટ્ર બીજા ક્રમે
નવી દિલ્હી: ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરી રહી છે, જેને કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે. એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના સર્વે અનુસાર, સરકાર દ્વારા અપાયેલા પ્રોત્સાહનો સાથે ઉદ્યોગો સ્થાપવા માટે સસ્તી જમીન અને લેબરની સરળતાથી ઉપલબ્ધતાને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ બાબતે ગુજરાત ભારતના તમામ રાજ્યોથી આગળ રહ્યું છે.
અહેવાલ મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ બાબતે મહારાષ્ટ્ર અને તમિલનાડુ બીજા અને ત્રીજા ક્રમે છે, અહેવાલમાં મુજબ ગુજરાત ભારતનું અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનવા માટે તૈયાર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ બાબતે ગુજરાત પ્રથમ ક્રમે છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ તમિલનાડુ ભારતમાં રોકાણ કરવા માટે ટોચના પરાજ્યો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તમામ નીતિગત પ્રોત્સાહનો અને વિવિધ પહેલો સાથે ભારતીય ઉત્પાદન બજાર 2025-26 સુધીમાં USD 1 ટ્રિલિયન સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની સહાયક નીતિઓ ઉપરાંત લેબરની સરળતાથી ઉપલબ્ધતા અને સસ્તા ઉત્પાદન ખર્ચને કારણે, ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. ઉપરાંત રાજ્યમાં જમીનના દરો સસ્તા છે. મુખ્ય બંદરો, રોડવેઝ, રેલ્વેની હાજરી સાથે ગુજરાતમાં સારી કનેક્ટિવિટી છે. ગુજરાત સરકાર અન્ય રાજ્યોની સરખામણીમાં સસ્તા દરે પાણી, વીજળી અને રિન્યુએબલ્સ ઉર્જા સંસાધનો પણ પુરા પાડે છે. રાજ્ય સરકાર ડેવલોપર્સને તેમનો વ્યવસાય સ્થાપવા માટે નાણાકીય સહાય પણ પ્રદાન કરે છે.