લોકસભામાં ઘુસણખોરી કરનારા કોણ છે અને તેમનો ઈરાદો શું હતો! પોલીસ સમક્ષ ખુલાસો કર્યો
![](/wp-content/uploads/2023/12/Parliament-security-breach.webp)
અમદાવાદ: બુધવારે સંસદની સુરક્ષાનો ભંગ કરીને પ્રદર્શનકરીઓ લોકસભા ગૃહમાં ઘુસી ગયા હતા. પ્રદર્શનકારીઓ ઈરાદો કોઈને ઈજા પહોંચાડવાનો ન હતો. પાંચેય પ્રદર્શનકારીઓની પૂછપરછ બાદ તેમના ઈરાદા અંગે દિલ્હી પોલીસે કહ્યું છે કે આ લોકોનો ઉદ્દેશ્ય વિવિધ મુદ્દાઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો હતો. પાંચ આરોપીઓએ પોલીસને કહ્યું છે કે તેઓ દેશમાં વધી રહેલી બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને મણિપુર હિંસા જેવા મુદ્દાઓથી પરેશાન હતા. તમામ પ્રદર્શનકારીઓ ભગત સિંહ ફેન ક્લબના મેમ્બર્સ છે.
પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ વર્તમાન સરકારની કાર્યશૈલીથી ખુશ નથી અને મણિપુર, ખેડૂતોના વિરોધ અને મોંઘવારીથી અંગે દેશને સંદેશ મોકલવા માંગતા હતા. તેઓએ દાવો કર્યો હતો કે તેઓ તેમનાં આદર્શ શહીદ ભગત સિંહની જેમ જ દેશને એક સંદેશ મોકલવા માંગતા હતા એટલે સંસદમાં જવાનું નક્કી કર્યું હતું.
સંસદની સુરક્ષાનો ભંગ કર્યો તેના લગભગ 15-16 કલાક પહેલા પ્રદર્શનકારી સાગર શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જીતે યા હરે, પર કોશિશ તો જરૂરી હૈ. અબ દેખના યે હૈ, સફર કિતના હસીન હોગા… ઉમેદ હૈ ફિર મિલેંગે.’
સાગર શર્મા લખનઉનો રહેવાસી છે, પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તે પોતાને લેખક, કવિ અને ફિલોસોફર ગણાવે છે. તેનો ઇન્સ્ટાગ્રામ બાયો લખેલું છે કે તે એક “આર્ટીસ્ટ” પણ છે. તેના એકાઉન્ટ પર તેના સ્કેચ ઉપરાંત, મહારાષ્ટ્રની આસપાસની તેમની મુસાફરીની રીલ્સ અને શિવ, કૃષ્ણ અને અન્ય દેવતાઓના વીડિયો છે.
નીલમ આઝાદ ફેસબુક પર સક્રિય છે, તેણે રાજકીય રેલીઓમાં હાજરી આપવાના ઘણા ફોટા તેમજ ભગત સિંહ અને બીઆર આંબેડકરના ફોટા પોસ્ટ કર્યા છે. તેણે જંતર-મંતર અને ઉત્તર ભારતમાં અન્ય પ્રદર્શન સ્થળો સ્થળોના ફોટા પણ પોસ્ટ કર્યા છે, જેમાં તે ખેડૂતો સાથે બેઠેલી જોઈ શકાય છે.
આ પોસ્ટ 2020-21માં ખેડૂત આંદોલન દરમિયાનની છે. અમોલ શિંદેએ ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટમાં મુંબઈના સીએસટી સ્ટેશનની સામે ઉભા હોવાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે દોડતા, બોક્સિંગ અને રમતગમતમાં મેડલ જીત્યાના વીડિયો અને ફોટા પણ પોસ્ટ કર્યા છે. લલિત ઝાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, બાઘા જતીન, સુભાષ ચંદ્ર બોઝ અને રાજા રામ મોહન રોયના ફોટા જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 8 એપ્રિલ, 1929ના રોજ મહાન યુવા ક્રાંતિકારી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હી ખાતે કેન્દ્રીય વિધાન સભામાં બોમ્બ ફેંક્યા હતા અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસીએશનના ચીફ ચંદ્રશેખર આઝાદના ઉપનામ બલરાજના હસ્તાક્ષર વાળા ‘ટુ મેક ધ ડેફ હિયર’ પેમ્ફલેટ ફેંક્યા હતા. કથિત રીતે પ્રદર્શનકારીઓએ એ આ ઐતિહાસિક ઘટનામાંથી પ્રેરણા લઈને સંસદમાં દેખાવ કર્યો હતો.