નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે સાંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકની ઘટના બાદ સંસદ ભવન અને આજુબાજુના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષામાં ચૂક માટે જવાબદાર 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ સંસદમાં થયેલા પ્રદર્શન અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અધીર રંજને કહ્યું, હુમલા પાછળનું કારણ બેરોજગારી છે. સામાન્ય જનતાનો ગુસ્સો ગૃહની અંદર પહોંચી રહ્યોછે. વડા પ્રધાને આ ઘટના અંગે નિવેદન આપવું જોઈએ, તેઓ આ મુદ્દે મૌન જાળવી રહ્યા છે. તેઓ છાતી ઠોકીને વાત કરે છે, હવે તેમણે છાતી બતાવવી જોઈએ.
તેમણે કહ્યું કે મોદી મોટી મોટી વાતો કરે છે પરંતુ તેઓ ગૃહને સુરક્ષા આપી શકતા નથી. પીએમને લાગે છે કે તેમને સંસદ સાથે કોઈ લેવાદેવા નથી. સંસદની સુરક્ષાની ખામીઓ પર ગંભીર ચર્ચા થવી જોઈએ. પ્રદર્શનકારીઓને અટકાવનાર સાંસદોની પ્રશંસા થવી જોઈએ. સંસદની રચનામાં ઉતાવળ હતી એટલે આ પ્રકારની ઘટના બની.
કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે સંસદમાં સુરક્ષાની ગંભીર ક્ષતિ અંગે ચર્ચા કરવા માટે કાર્ય સ્થગિત કરવા નોટીસ રજુ કરી હતી.
સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દે વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, રાષ્ટ્રપતિ પાસે સમય માંગવામાં આવશે. વિપક્ષના સાંસદો આ મુદ્દે આજે બંને ગૃહોમાં ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને