અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવી રહ્યો હતો, આ અચાનક વિસ્ફોટ થયો
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલી અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલના એક રૂમમાં બોમ્બ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ વિસ્ફોટને કારણે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો જયારે એકને સામાન્ય ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કર્નલગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ પીસી બેનર્જી હોસ્ટેલના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજો ઉડી ગયો હતો અને તેની છાતીમાં બોમ્બના ટુકડા પણ વાગ્યા હતા. જાણકારી મુજબ વિદ્યાર્થી આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. મીડિયા અહેવાલો અનુસાર, વિદ્યાર્થી કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો, એ દરમિયાન થયેલા વિસ્ફોટને કારણે તેના જમણા હાથને ગંભીર ઈજા પહોંચી છે.
બોમ્બ વિસ્ફોટને કારણે હોસ્ટેલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓની મદદથી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિદ્યાર્થીને ગંભીર હાલતમાં SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બુધવારે સાંજે તે કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો જ્યારે અચાનક વિસ્ફોટમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે. ફરિયાદના આધારે પોલીસ પ્રભાત યાદવ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અલાહાબાદ યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. વિદ્યાર્થી જૂથો પર હોસ્ટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો કરવાનો આરોપ છે.