લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૮૦

બત્રાને હાશકારો થયો કે હવે મુરુડ ઝંઝિરા કિલ્લો સલામત છે

પ્રફુલ શાહ

આ મોટીમસ આફતમાંથી કિરણને એક સાચો અને સારો મિત્ર વિકાસ ભેટરૂપે મળ્યો

કિરણ મહાજનને સમજાતું નહોતું કે પોતે જ એક પત્ની તરીકે, પ્રેમિકા તરીકે કે માનવી તરીકે કર્યું એને આટલું બધું મહત્ત્વ શા માટે અપાય છે? શું એ મારી ફરજ નહોતી? હતી જ. એ કર્યા વગર મારે જીવનભર પીડાવું પડ્યું હોત, રાતની ઊંઘ હરામ થઈ ગઈ હોત. મારા પ્રેમ, પરિવાર અને પતિ પ્રત્યેની ફરજ બજાવી એ આટલી મોટી વાત કેવી રીતે ગણાય? આકાશે મારી સાથે બેવફાઈ કરી એ કબૂલ. એમાં એનો અને મારો કેટલો અને કેવો વાંક એ હવે ચર્ચવાની જરૂર નથી કારણ કે એનાથી કોઈ અર્થ સરવાનો નથી.

હજી ભારતભરની મેગેઝિન અને ટીવી ચેનલ તરફથી આવતી ઇન્ટરવ્યૂની માગણી એને સમજાતી નહોતી. બે લેખક અને એક પ્રકાશકે તો એની બાયોગ્રાફી લખવા માટેનો મમરો પણ મૂકી જોયો.
કિરણને હવે આ બધાથી તાત્કાલિક છૂટવું હતું. એને એક આમ આદમી, સામાન્ય સ્ત્રીનું જીવન જીવવું હતું. આ આફતે એક સાચો અને સારો મિત્ર વિકાસ ભેટરૂપે આપ્યો હતો એનો કિરણને આનંદ હતો.


પરમવીર બત્રાએ પોતાની નોંધ વાંચી. મન ન ભરાયું એટલે ફરી બાદશાહની કબૂલાતનો વીડિયો જોવાનું શરૂ કર્યું. ભાવહીન ચહેરે બાદશાહ બોલતો હતો.

“મકબુલ તો ઠીક, એનો દીકરો પણ મુરુડ ઝંઝિરા કિલ્લાની કાંકરી ય ખેરવી ન શક્યો. પછી તો પરિવારમાંથી કોઈ લશ્કરમાં ય ન ગયું. એટલે પ્રતિજ્ઞા પાળવાનું અશક્ય લાગતા માંડ્યું: પરંતુ પેઢી દર પેઢીએ વેરનો વારસો આગળ કરાતો ગયો. મકબુલે સલીમને, સલીમે પરવેઝને, પરવેઝે અહમદને, અહમદે મહેમુદને, મહેમુદે શાહરુખને, શાહરુખે ઈફ્તેખારને અને ઇફ્તેખારે ત્રણ દીકરા બાદશાહ, નાવેદ અને સલમાનને વારસામાં વેરની ગળથૂથી પીવડાવી હતી. ઈફ્તેખારે આ સદીઓ જૂની વેદના સહન ન થવાથી આપઘાત કર્યો એટલે મેં બાદશાહે અમ્મીના આદેશથી મિશન મુરુડ ઝંઝિરા કિલ્લાને જ જીવનનો ધ્યેય બનાવી દીધો. આ માટે ત્રણેય ભાઈ નહીં પરણે એવું ય નક્કી કર્યું. પણ સલમાન સાવ ધોતીયા ઢીલો નીકળ્યો. અમે બરાબર જાણતા હતા કે હવે કિલ્લાને ફૂંકી મારવાનું આસાન નથી. એ માટેનો બારુદ ક્યાંથી લાવવો! આ માટે ત્રણેય ભાઈ સાથે આતંકવાદી સંગઠનમાં દેખાવ પૂરતો જોડાયો. બીજી તરફ આસિફ પટેલનો વિશ્ર્વાસ જીત્યો. મુરુડમાં હોટલ બંધાવડાવી. ત્રાસવાદીઓના સંતોષ ખાતર શસ્ત્રોની વેચણી-વહેંચણી કરી. ત્રણેય મંઝિલની નજીક પહોંચ્યા, ત્યાં અકસ્માતે હોટલ પ્યૉર લવમાં ધડાકા થયા. એ વિસ્ફોટની તપાસમાં ત્રણેય ભાઈનું સપનું પર્દાફાશ થઈને છિન્નભિન્ન થઈ ગયું. ફરી એકવાર અધૂરા સપના સાથે વડવાઓની રૂહ તરફડતી રહી ગઈ એવું બાદશાહને લાગવા માંડ્યું. પણ હવે થઈ શું શકે?

આ સાથ પરમવીર બત્રાને ઘણી સાંભળેલી કે વાંચેલી વાતો યાદ આવી. અમુક પરિવારમાં છોકરીઓને પગમાં ઘૂંઘરી પહેરાવાતી નથી, ક્યાંક કપડા ધોવામાં ગળી વપરાતી નથી, અમુક લોકો પોતાના પૈસે ઘરમાં રંગરામ કરાવી શકતા નથી તો વળી કેટલાક પરિવારમાં પરણીત દીકરીને રાંદલ-નૈવૈદ્યની લાપસી ચાખવા દેવાતી નથી. આપણે વડીલો પાસેથી વારસામાં મળેલી સૂચનાનો અમલ કરીએ છીએ પણ એની પાછળનાં કારણો જાણતા નથી. પેઢીએ પેઢીએ સૂચના-આદેશ આગળ વધે છે પણ એની પાછળની ઘટના-કારણો સમયની ગર્તામાં ખોવાઈ જાય છે. કુળદેવતા કે કુળદેવીના આદેશને માથે ચડાવતી વખતે એ શા માટે કરાય છે એ મોટાભાગનાને ખબર પણ હોતી નથી.

પરમવીર બત્રાએ પોતાની કારકિર્દીમાં આવો કેસ ક્યારેય સંભાળ્યો નહોતો કે સાંભળ્યો પણ નહોતો. એમને હાશકારો થયો કે ચાલો હવે મુરુડ ઝંઝિરા કિલ્લો સલામત છે કાયમ માટે. એને તોડવા માટે ક્યારેય કોઈ નહીં આવે.


ધડાકાના ત્રણ મહિનામાં ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ કેસ કોર્ટમાં કમિટ થયાના આગલા દિવસે સલમાનને મળવા એક મહિલા આવી. એને જોઈને સલમાનની આંખમાં ચમક આવી ગઈ. “અમીના તું? ક્યારે આવી ઉસ્માનાબાદથી?

“આજે જ સવારે. એટલું જ કહેવા કે હું તારા બાળકની મા બનવાની છું. હું કાયમ તારા પાછા ફરવાની રાહ જોઈશ.

સલમાન માની ન શક્યો એની વાત. બે મિનિટમાં સ્વસ્થ થયા બાદ સલમાન આદેશના સૂરમાં બોલવા માંડ્યો. “જો અમીના તારા ખાવિંદ તરીકે હું જે કહું છું એનો આદેશ સમજીને અમલ કરજે. એક, હવે ક્યારેય મને મળવા આવતી નહીં. બે, ઉસ્માનાબાદ છોડીને અલીબાગના દરિયાકિનારા પાસેના કોઈ પણ ગામમાં રહેવા આવી જા. ત્રણ, તારું નામ બદલી નાખ અને તારી સાથે મારું નામ કાયમ ભૂંસી નાખ. ચાર, દીકરો થાય કે દીકરી, એ દરિયામાં માછલીથી વધુ ઝડપથી તરે એવી તાલીમ આપજે. પાંચ, એના મન-મગજમાં જન્મતાવેંત એક વાત સજ્જડ રીતે બેસાડી દે કે એનો જન્મ પોતાના વડવા તોપચી અને ઇકબાલ હમીદુલ્લા ‘ગુલાબ’ માટે થયો છે. એનો જન્મ મુરુડ ઝંઝિરા કિલ્લાને ફૂંકી મારવા માટે થયો છે. સમજ ગઈ?

અમીનાએ હળવેથી સલમાનના હાથને સ્પર્શ કર્યો, એને ચુમી લીધો. “જી સમજી ગઈ. એમ જ થશે. આટલું બોલીને સલમાનના પ્રતિભાવની રાહ જોવા વગર એ પાછું વળીને ચાલવા માંડી.

દૂર – દૂર મુરુડ ઝંઝિરા કિલ્લા પરથી આવતો પવન અમીનાના વાળ સાથે મસ્તી કરતો પસાર થઈ ગયો, જાણે આમંત્રણ આપતો હોય કે પડકાર ફેંકતો હોય.

(સંપૂર્ણ)

લેખકનું મનોગત:
‘કેરોલિના રીપર’ પાછળની વાર્તા
કેરોલિના રીપર. અપેક્ષા મુજબ આ શીર્ષકે ગજબનાક કુતૂહલ જગાવ્યું. કોઈકને એ સિરિયલ કિલરનું નામ લાગ્યું, કોઈકને ડિટેક્ટીવનું, તો કોઈકને…

સાત સપ્ટેમ્બરથી ચૌદ ડિસેમ્બર વચ્ચેના ૮૦ પ્રકરણમાં વાંચકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો. નવલકથાને માણી એનો અનહદ આનંદ છે. આભાર સૌ વાચક મિત્રોનો. આ સાથે ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલી મારી બે દૈનિક ધારાવાહી નવલકથા ‘દૃશ્યમ અદૃશ્યમ’ અને ‘દાદલો’ના સુખદ સંભારણાં તાજાં થયાં.

આ વખતે અલગ પ્રયોગ કરવો હતો. પરંપરાગત નાયક વગરની નવલકથાનો. કેપ્સિકમ જેવી નાયિકાને જ કેન્દ્ર સ્થાને રાખવી હતી. નવલકથાના ધસમસતા પ્રવાસમાં બે પુરુષ પણ સરસ રીતે ઊપસી આવ્યા, જે વાંચકોને પણ ખૂબ ગમ્યા.

રોમાંચ અને રહસ્યને સથવારે આ નવલકથામાં સમાજનું એક પ્રતિબિંબ ઝિલાયું છે. ખૂબ મોટી દુર્ઘટના કે હોનારતને દૂરના લોકો અને મીડિયાવાળા કાયમ એક જ પરીપ્રેક્ષ્યમાં જુએ છે. દૂરના લોકો માટે એ ઘટના માત્ર આંકડા અને સનસનીનો ખેલ બની જાય છે. પરંતુ એમાં સ્વજનો ગુમાવનારા માટે તેજાબી સંવેદનાત્મક કસોટી બની રહે, પરંતુ રાજકારણીઓનો એજન્ડા ભળતો જ હોય. મોતના માતમને બદલે રાજકીય શતરંજ પર મડદાઓને પ્યાદા તરીકે ઉપયોગ કરવાની નિંદનીય ચેષ્ટાને સામે લાવવાની નેમ હતી ‘કેરોલિના રીપર’માં
આપણા મગજ અને વિચારોનું પ્રોગ્રામિંગ દરેક બનાવ, વ્યક્તિ કે હોનારતને પોતાની સમજ અને લોકપ્રિય ધારણાથી જોવાનું હોય છે. ઘણી વખત સત્ય એકદમ અલગ અને ભળતું નીકળે છે જે આ નવલકથામાં બહાર આવે છે. આ બધું વ્યક્ત કરવાની તક મને દેશના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’માં મળી. વાંચકોને ત્રણ મહિનાથી વધુ સમય જકડી રાખવાના પ્રયાસમાં મળેલી સફળતા મારી છે, એના કરતાં વધુ વાંચક-મિત્રોની છે, ‘મુંબઈ સમાચાર’ની વિશ્ર્વસનીયતાની છે, અખબારના તંત્રી નીલેશભાઈ દવેની કોઠાસૂઝની છે.

ફરી મળવાના વચન સાથે અલવિદા કહેવા અગાઉ સમગ્ર ‘મુંબઈ સમાચાર’ ટીમ અને ખાસ તો ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશભાઈ દવે માટે આભારની લાગણી વ્યક્ત કરું છું. સૌથી મોટા આભારના હકદાર વાંચકમિત્રોના પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે.
આમિન.

  • પ્રફુલ શાહ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button