એક આળસુ ડોક્ટરની આત્મકથાના થોડાક અંશ…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
જેમ મુંબઈની ઇલેક્ટ્રિક ટ્રેનમાં તમે ધક્કે ધક્કે જ ચડી જાવ અને ઊતરી જાવ અને પછી પૂછો કે, યાર! યે ધક્કા મુજકો કિસને મારા? બસ, એમ જ હું માખો મારીને કંટાળું છું, ત્યારે મારી કમ્પાઉન્ડર કમ નર્સ કમ પી.એ. કમ કામવાળીને પૂછું છું કે, ચેરી, યહ ધક્કા મુજે કિસને મારા થા? અને ચેરી પ્રશ્નાર્થચિહ્ન સાથે મારી સામે જુએ છે.
હું નાનો હતો ત્યારે પણ ઘર ઘર રમતી વખતે મારી બેન કે મારો ફ્રેન્ડ હિંમત, હિંમતપૂર્વક ડોક્ટર બનતાં. જ્યારે હું હંમેશાં દર્દી જ બનતો. કારણ કે દર્દી બનું તો શાંતિથી નિરાંતે સૂઈ રહેવાનું. ઉપરથી બેન ડોક્ટરની અદામાં કહે, માંદો છે. ચલ, થોડું જ્યૂસ પી લે. એમ મને એક ગ્લાસ જ્યૂસ પણ પીવા મળે તે નફામાં. અને સરસ મજાનો આરામનો આરામ! ઉપરથી માર ખાતી ફરે મારી બેન. કારણ કે મમ્મી પૂછે, જ્યૂસ ક્યાં ગયું? અને હું મોટીબેન તરફ આંગળી ધરી છુટ્ટો…
મારા બચાવમાં મમ્મી ખાતરીપૂર્વક કહી દેતી કે, મારો પપ્પુ કદી ફ્રીઝ સુધી ચાલીને જાય નહીં. જાય તો એને હાથ લંબાવી ઉઘાડે નહીં અને ઉઘાડે તો મોં સુધી જ્યૂસ પહોંચાડે નહીં. એટલે આવું ઘોર કૃત્ય તમારી લાડલીનું જ છે. મારો પપ્પુ બિચારો… હાથે જાતે જ્યૂસ પીવે તો નબળો ન પડી જાય? અને હું મારા મદનિયાં જેવા શરીર ઉપર દયા તેમજ ગૌરવમિશ્રિત દ્રષ્ટિપાત કરી મનમાં હરખાતો રહું કે, હાશ! કોઈક તો એવું છે કે જેને મારી નિષ્ક્રિયતા તેમજ આળસ સામે જરાય વાંધો નથી.
પણ મારા બાપા, કે જેણે આખા સમાજમાં ઢંઢેરો પીટેલો કે મારે શું ફિકર છે? મારું દવાખાનું ચલાવવાવાળો તો ધરતી પર જન્મી ચૂક્યો છે.’ પેલા કૃષ્ણજન્મ વખતે થયેલી આગાહીનો પ્રભાવ મારા બાપા ઉપર કેટલો હાવી હશે, તે તમે બાપાના ડાયલોગની બાંધણી ઉપરથી સમજી શકો છો.
આ તરફ મારી પાલક માતા યશોદાને એના પપ્પુનો ઉછેર કરતાં કરતાં એટલી ખાતરી તો થઈ જ ગઈ હતી કે દવાખાનું બંધ કરવું હોય, ત્યારે જ પપ્પુને સોંપવામાં સહુનું ભલું છે. કારણ કે નાનો હતો ત્યારથી જ મારું ૯૦% લેસન મારી માતા તેમજ મોટીબેને જ લખી આપ્યું હતું. એમ પણ, હું ઘરનો એકમાત્ર ચિરાગ! અને એ ચિરાગને રોશન રાખવા એમણે જાતજાતનાં દિવેલ – ઘી પૂર્યે જ છૂટકો હતો.
ચોવીસ કલાક દવાખાના સાથે સાત ફેરા ફરેલા મારા પિતાજીએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટ્યૂશન ટીચર તહેનાતમાં મૂકેલા. પણ એ ટ્યૂશન ટીચર જ સ્કૂલમાં પણ મારા ટીચર. એટલે કે મોસાળમાં જમવાનું અને મા પીરસે. એટલે દર વર્ષે આ સર કૃપાગુણના ઢગલા ઉમેરી, મને જ.જ.ઈ.સુધી તો ચડાવી ગયા, પણ બોર્ડ એક્ઝામ આવતાં જ મારા અને મારા શિક્ષકોનાં મુખ ઉપર પ્રશ્નાર્થચિહ્ન ઉદ્ભવ્યાં. પણ નવનિર્માણની હડતાળને કારણે હું ઉપર ચડી ગયો અને તે પણ પરીક્ષા આપ્યા વિના! આને માટે હું પ્રભુનો પાડ ન માનું તો નગુણો ગણાઉં. એ પછી થોડી લાગવગ, થોડી લાંચ, થોડા મસકા મારવાની આવડતને કારણે ખ.ઇ.ઇ.જ.નાં વર્ષો આરામ કરતાં કરતાં સહેલાઈથી પસાર થઈ ગયાં.
ડોક્ટરનો દીકરો ડોક્ટર થયો. પણ કેવી રીતે થયો? કાશ! કોઈ મને પૂછે તો કહું. બાકી મને બોલવામાં પણ આળસ! દીકરો પરણશે તો સુધરી જશે, એમ માની બાપાએ ત્રણ ન કરવા જેવા કામ હિંમતપૂર્વક કરી, મને આગળ ધપાવવાની અદકેરી પ્રવૃત્તિ કરીને જ જંપ્યા. (૧) જેને કદી તાવ માપતાં, ધબકારા ગણતાં કે સિરિંજ પકડતાં આવડતી નહોતી કે નહોતી કદી શીખવાની ચેષ્ટા કરી, એવા એના દીકરાને ડોક્ટર બનાવીને જ જંપ્યા. (૨) બીજી ભૂલ – મારે પરણવું નહોતું. કારણ કે મને પહેલેથી જ દરેક વાતમાં આળસ આવતી. દરેક કામ ભારરૂપ લાગતું. જેમ કે, નાહવાની જગ્યાએ જો કોઈ સ્પંજ કરી દે તો કેવું? ચાવવાની જગ્યાએ કોઈ મોંમાં જ્યૂસ રૂપે સૂતાં સૂતાં જીવનરસ પીવડાવીને તૃપ્ત કરે તો કેવું? આ તો બે ઉદાહરણ કાફી છે. ત્યાં વળી પત્ની આવે એટલે જવાબદારીની ધૂંસરી ગળે પડે. પણ બાપાએ ઊંચકીને ઘોડે ચડાવ્યો તે ચડાવ્યો. જોકે ઘોડા ઉપર ઊંઘતો જોઈને, ત્યાંથી ઉતારી મને કારમાં સૂતાં સૂતાં જ માંડવે લઈ ગયેલાં. તે મારા જીવનનો અત્યંત યાદગાર અને બળવત્તર પ્રતિભાવંત પ્રસંગ હતો. (૩) ડોક્ટર નહોતું બનવું, છતાં મને ધક્કે ધક્કેય ડોક્ટરની ખુરશી ઉપર બેસાડીને જ જંપ્યા. – આ ત્રણ કામ માટે હું એમને કદી માફ નહીં કરું. મેં ઘણીવાર કહ્યું હતું કે, બાપા, કેટલા બધા ડોક્ટરો માખી મારે છે. તેમાં એક મારો વધારો શા માટે કરવો? અને બીજું, તમારી ભેગી કરેલી મૂડી મને શાંતિથી સૂતાં સૂતાં વાપરવા દેતા હોય, તો તેમાં તમારું શું જાય છે? તેમજ જો કોઈ પેશન્ટ મારી લાલની જગ્યાએ પીળી, ને પીળીની જગ્યાએ સફેદ ટીકડીથી રામશરણ થયો, તો એની સઘળી જવાબદારી તમારી રહેશે. પણ બાપાએ તો એ પ્રશ્નનો પણ નિવેડો આણેલો, તરત જ.
બાપાએ એક સાઉથ ઇન્ડિયન, ઇન્ટેલિજન્ટ તેમજ બ્યુટીફૂલ એવી નર્સ નામે ચેરીને હાયર કરી. એ જ જીવનભર લાલ, પીળી, સફેદ ટીકડી કે નાની મોટી સિરિંજ ઘોંચતી રહે છે. બાપાના કહ્યા મુજબ ડોક્ટરનો કોટ પહેરી, ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવી, રિવોલ્વિંગ ચેર ફેરવી, દર્દીની છાતી – પીઠ ઉપર સ્ટેથોસ્કોપ ફેરવવા સાથે નિયત કરેલા પ્રશ્નો જ દર્દીને પૂછી, પછી નર્સ પાસે દર્દીને મોકલવો. બસ, પછી પેલી ચેરી જ વાતાવરણ ચિયરફૂલ કરે. સાંજ સુધીમાં લોચા, ખમણ, ઊંધિયા, ઘારી જેટલો વકરો આરામથી મળી રહે. ને તે કોઈપણ જાતના ખતરા વિના. એવી મારા બાપાની ગોઠવણ માટે મારે આળસ ખંખેરીને પણ એમનો આભાર તો માનવો જ રહ્યો.
મારી આળસને ધીરે ધીરે બધાએ સ્વીકારી અને તે ત્યાં સુધી કારગત નીવડી કે બ્યુટીફૂલ ચેરી વર્ષો સુધી દવાખાનામાં રહી, પણ મારી પત્નીએ કદી શંકા કરી નહીં. કારણ કે એને ખાતરી હતી કે આળસુ પતિદેવ આ કેસમાં જરા પણ હાથ અજમાવશે નહીં. ચેરીને પણ વિશ્વાસ બેસી ગયો કે આળસુના પીર સર, હું ગોલમાલ કરીશ તો ક્યાં જોવા આવવાના છે? એ તો દરેક દર્દીના જતાં વાર જ પેટમાં દાણા પાણી ઓરીને ઊંઘી જાય છે. હું પણ આંખ આડા કાન એટલે કરું છું કે બ્યુટીફૂલ ચેરીને કારણે બીમાર દર્દી કરતાં પણ દિલના મરીઝ ઘાયલ દર્દી વધારે આવે છે અને ચેરીની સાથે મારા દાણા પાણી પણ નીકળી જાય છે. ફરી આળસ ત્યજી પ્રભુનો પાડ માનું છું કે મને સુરતમાં ડોક્ટરી કરવા આપી. કે જ્યાં પાણીપૂરી, લોચા, ખમણ ખાઈ ખાઈને લોકો માંદા પડતા રહે છે. ઉપરાંત ઘણાં વર્ષોથી ઘરમાં ખાવાનું બનાવવાની પ્રણાલી પણ લોકોએ બંધ કરી દીધી છે. એટલે મારી દુકાન તો ચાલવાની જ છે.
અને બીજી એ વાતે પણ નિરાંત છે કે લેબોરેટરીવાળાથી લઈ એક્સરે, કાર્ડિયો, સોનો વગેરે વગેરેના પણ પૂરતા ટકા મહિને મળતા રહે છે. એટલે હું સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરું કે ના કરું, ટીકડી ગમે તે રંગની આપું, પણ મારો જીવનનિર્વાહ તો આપોઆપ ચાલવાનો જ છે અને અંતે મારી આળસને કારણે મારી ખુરશી સાચવનાર તો કોઈ… પણ … રહેવા દો ભૈ. વિચારવાનો પણ સાલો થાક લાગે છે! ત્યાં વળી પાછી મહેનત…
ને એમ પણ આપ મૂઆ, ફિર ડૂબ ગઈ દુનિયા.’ શ્વાસ છે, ત્યાં સુધી માત્ર ખાવાની અને પૂરતી ઊંઘવાની વ્યવસ્થા મેં ઘરમાં તેમજ દવાખાને ઊભી કરી છે. એટલે હવે બસ, અટકું. આટલું લખ્યું તેમાં તો હવે ઊંઘ આવે છે. જોકે ચેરીને કહી રાખું છું કે દવાખાનું બંધ કરે, ત્યારે બધા ખૂણા બરાબર ચેક કરવા. તે દિવસે મને ઊંઘતો પૂરીને ચેરી દવાખાનું બંધ કરી જતી રહી હતી. સવારે આંખ ખૂલી ત્યારે સીધો પેશન્ટ સામે! હાશ! એક દિવસનું નહાવાનું ને બ્રશ કરવાનું તો ટળ્યું! ભલું થજો ચેરીનું.