લાડકી

ટીનએઈજમાં બેફિકરાઈભર્યું વલણ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

બિરવાની એન્ટ્રીએ સોસાયટીમાં ખળભળાટ મચાવી દીધેલો. આજની પેઢીને કોઈ આબરુ, લાજ-શરમ જેવું તો કંઈ છે જ નહી, ઘરેથી કહ્યા વગર જતા રહ્યા પછી આમ પોલીસને સાથે લઈને ઘરે લાવવાની હિંમત આવી છછૂંદર જેવડી છોકરી કરે?? એ વાત ગળે ઉતારવી બધાને અઘરી લાગતી હતી. જોકે, એની પાછળના કારણને શોધવાની તાલાવેલી પણ દરેકને એટલી જ હતી એટલે બધા એકબીજાને કાનાફૂસી કર્યા કરતા હતા કે કંઈ ખ્યાલ આવે તો કહેજો.અમુક તો બેશરમ બની બિરવાના ઘરે પંહોચી ગયેલા તો અમુકે કંઈ કામ હોય તો કહેજો એ મતલબના ફોન કોલ્સનો મારો ચલાવેલો પણ ઘરના એક રુમમાં બંધબારણે શું મસલતો ચાલી રહી હતી એનો ક્યાસ નહોતો નીકળી રહ્યો.

મૂળ વાત તો એમ બનેલી કે, ઘરેથી નીકળ્યા પછી ક્યાં જવું એ સમજ ના પડતા રસ્તાના કિનારે ફૂટપાથ પર એકલી બેસેલી બિરવા અને એ પણ વહેલી સવારના પહોરે કે જ્યારે શિયાળાની ઋતુનું અંધારું હજુ બધે છવાયેલું હતું એ સમયે સુરક્ષાકર્મીઓના ધ્યાને બિરવા ચડી અને તેઓએ મહિલા પોલીસને એ અંગે જાણ કરી પરંતુ તેને સરનામું પૂછતાં જ બિરવાએ ધડાકો કર્યો કે મારે હવે ઘરે પાછું જવું જ નથી માટે અડધા દિવસની ખાસ્સી લાંબી સમજાવટની જહેમત બાદ પોલીસ બિરવાને તેના ઘેર પહોંચાડવામાં સફળ રહી હતી. જોકે, બધાજ તરુણો બિરવા જેટલા નસીબદાર તો નથી હોતા.

આવી રીતે આવેશમાં કે
આવેગમાં આવી ઘર છોડી ચાલ્યા જતા તરુણો દરેક વખતે સારા હાથમાં જ પડે એવું પણ નથી બનતું હોતું તો પછી આ પ્રકારે ભાગેડુંવૃતિ અત્યારના તરુણોમાં ઉદ્ભવવાના કારણો શું છે??
એ તપાસતા આપણને ખ્યાલ આવે કે માંબાપની સખ્ત જીદ્દ સામે તરુણોનો માતા-પિતા પ્રત્યે ઓછો લગાવ, વિભક્ત કુટુંબ, સ્વતંત્ર માનસિકતા, સોશિયલ મીડિયાનો પ્રભાવ, દુનિયાદારીની અણસમજ આવા અનેક કારણોસર ટીનએઈજમાં તરુણો પોતે શું કરી રહ્યા છે એનો ખ્યાલ નથી રહેતો. બિરવાના કિસ્સામાં પણ એવું જ થયું માતાનું સતત દબાણ કે હું તને ડોક્ટર બનાવીને જ રહીશ. બિરવા શુ બનવા માંગે છે એના પર કોઈ જ પ્રકારનું ધ્યાન નહીં, પિતાનો શંકાશીલ સ્વભાવ, પિતા અને માતા વચ્ચેના અણબનાવો, સતત ઘરમાં ચાલતા ઝઘડા અને બિરવાને શું કરવું છે એ વિશે કોઈ પણ પ્રશ્ર્ન પૂછ્યા વગર તેના નિર્ણયો લેવાની માતા-પિતાની આદત અંતે બિરવાને ઘરમાં ‘ફીલ ગુડ ફેક્ટર’ ઉભું જ નથી થવા દેતું. તેણીને લાગે છે કે જો હું બહાર જઈને દુ:ખી થઈશ તો અહીંયા પણ હું ક્યાં સુખી છું??

આખરે બે કલાકની ધમધમાટ અને ધમાલ પછી સોસાયટી શાંત પડી. પોલીસે તો જાણે બિરવાના ઘરેથી વિદાય લઈ લીધી પણ હવે જ ખરાખરીનો જંગ ચાલુ થયો. એકબાજું બિરવા સાથે વાત કરવા લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તો બીજી તરફ બિરવાને કોઈને પણ મળવામાં બિલ્કુલ રસ નહોતો તો તેણીના માતા-પિતાને તો પોતાની દીકરી આમ ક્યાંક જતી રહી, ફરીથી પાછી આવી તો પોલીસ સાથે લઈને આવી, પોતાના ઘરના ઝઘડાઓ બહાર લોકો સામે ખુલ્લા થયા આ બધી જ બાબતોના કારણે એક રોષ મનમાં સતત ઉભો થયેલો જ હતો અને બધાની વચ્ચે તેઓએ કોઈ સાથે વાત કરવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નહોતી ઉલ્ટું તેઓએ પોતાના ઘરને સજ્જ્ડ્ પણે બંધ કરી દેતા દરવાજે ઉભેલા સોસાયટીના રહીશોમાં અફવાઓનું બજાર વધારે ગરમ થઈ ગયું. લોકોને લાગ્યું કે એવું તો શું થઈ ગયું છે કે બિરવા એન્ડ ફેમલિ કોઈ સાથે વાતજ નથી કરવા માંગતું??

જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સૌથી પહેલા તમારા નજીકના વ્યક્તિઓ કે કુટુંબ સાથે વાત કરવી વધારે અગત્યની હોય છે. લોકોને શું જવાબ આપવા, પોતાના બાળક વિશે શું કહેવું, પોતાના બાળકને બીજા સામે કેવું ચિત્તરવું આ બધી જ પરિસ્થિતિથી દૂર રહેવા બિરવાના માતા-પિતાને કાઉન્સેલર દ્વારા સમજાવવામાં આવ્યું હતું. જેના કારણે તેઓ અત્યારે કોઈ જવાબ આપવા માંગતા નહોતા અને આમ પણ કોઈ વસ્તુ એવી તો બનેલી નહોતી કે જેના કારણે તેઓએ કંઈ છુપાવવું પડે.

બપોર થતાં આખું કમઠાણ લગભગ થાળે પડી ગયેલું ત્યારે વિહાએ એન્ટ્રી મારી. જમતાં જમતાં મમ્મીએ બિરવાની વાત માંડીને કરી એટલે વિહાના મનમાં ખદબદાટ ઉપડ્યો કે હમણાંજ ફોન કરીને પૂછું. પણ મમ્મીએ ના પાડી કહ્યુ કે એ લોકો કોઈ સાથે વાત કરવા માંગતા નથી એટલે મન મારીને બેસી રહી. જોકે, સાંજ પડતાં સુધીમાં તો વિહા બિરવાને ત્યાં પંહોચી જ ગયેલી. વિહાને જોતાંજ જાણે કોઈ પોતાના જેવું મળ્યું એ વિચારે બિરવા રોઈ પડી. વિહાનો હાથ ઝાલીને બિરવા તેણીને તુરંતજ અંદર લઈ ગઈ ત્યારે પાછળ બંધ થયેલા દરવાજા પર અન્ય લોકોની નજર મંડાયેલી હતી કે હવે ક્યારે વિહા બહાર આવે ને ક્યારે આપણને કંઈક જાણવા મળે. પણ, ત્યાં સુધીમાં તો બિરવાના આવા બેફિકરાઈભર્યા વલણની અંદરોઅંદર ટીકા થવા લાગેલી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button