એકસ્ટ્રા અફેર

ભાજપના નવા મુખ્ય પ્રધાનોે, મોદીએ આશ્ર્ચર્યોની પરંપરા જાળવી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભાજપે અંતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણેય રાજ્યના મુખ્ય પ્રધાનો નક્કી કરી નાખ્યા. નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને આ ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનોની પસંદગીમાં તેમણે એ પરંપરા જાળવી. ત્રણેય રાજ્યમાં કોઈને કલ્પના પણ ના હોય એવા નેતાઓને ગાદી પર બેસાડીને રાતોરાત રાજા બનાવી દીધા.

ગયા રવિવારે એટલે કે ત્રણ ડીસેમ્બરે પરિણામ આવ્યાં ત્યારથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણેય રાજ્યના મુખ્ય પ્રધાન કોણ બનશે તેની અટકળો ચાલતી હતી. મીડિયા પોતાની રીતે પતંગ ચગાવીને નામો રમતાં કરતું હતું પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણેય રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે એવા લોકોની પસંદગી થઈ કે જેમનાં નામ કોઈએ ચલાવ્યાં જ નહોતાં, બલ્કે સાંભળ્યાં જ નહોતાં.

છત્તીસગઢના મુખ્ય પ્રધાન બનેલા વિષ્ણુદેવ સાઈ જૂનો જોગી છે ને કેન્દ્ર સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે તેથી તેમનું નામ રાષ્ટ્રીય સ્તરે જાણીતું હતું પણ મધ્ય પ્રદેશના ડૉ. મોહન યાદવ અને રાજસ્થાનના ભજનલાલ શર્માના તો નામ પણ રાષ્ટ્રીય સ્તરે કોઈએ સાંભળ્યાં નહોતાં. મોહન યાદવ ત્રીજી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે ને શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં શિક્ષણ પ્રધાન હતા તેથી મધ્ય પ્રદેશમાં જાણીતા કહેવાય પણ ભજનલાલ શર્મા તો રાજસ્થાનમાં જ જાણીતા નથી.

શર્મા રાજસ્થાન ભાજપના કાર્યકરો માટે પણ અજાણ્યું નામ છે કેમ કે શર્મા પહેલી વાર વિધાનસભ્ય તરીકે જ ચૂંટાયા છે. ઈન્ટરનેટ પર સર્ચ કરો તો વીકીપીડિયાએ પણ શર્માને રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરાયા પછી તો તેમના નામનું પેજ બનાવ્યું ને તેમાં પણ એવી જોરદાર માહિતી નથી. મોદીએ ગુજરાતમાં વિજય રૂપાણીને હટાવ્યા પછી ભૂપેન્દ્ર પટેલને લોટરી લાગી ગયેલી એવું જ ભજનલાલના કેસમાં થયું છે. ધન રાશિના બંને જાતકોએ બગાસુ પણ નહોતું ખાધુ ને ભાજપ હાઈકમાન્ડે તેમના મોંમાં પતાસુ મૂકી દીધું.

કહેવાતા રાજકીય વિશ્ર્લેષકો ભાજપે ત્રણેય રાજ્યોમાં નવા જ ચહેરા મૂકીને લોકસભાની ચૂંટણી માટે માસ્ટરસ્ટ્રોક ખેલી નાંખ્યો છે ને એવી વાતો કરી રહ્યા છે. ભાજપે રાજસ્થાનમાં બ્રાહ્મણ, મધ્ય પ્રદેશમાં ઓબીસી યાદવ ને છત્તીસગઢમાં આદિવાસીને મુખ્ય પ્રધાન બનાવીને ત્રણ જ્ઞાતિવાદી સમીકરણોને સાધ્યાં છે એવો દાવા પણ થઈ રહ્યા છે.

આ દાવા એટલે થઈ રહ્યા છે કે, આ કહેવાતા રાજકીય વિશ્ર્લેષકોનાં માનસ જ્ઞાતિવાદી સંકુચિતતાનાં ગુલામ છે. એ લોકો ચૂંટણીને જ્ઞાતિવાદથી આગળ જોઈ શકતા નથી એટલે આ વાતો કરે છે પણ રાજકારણમા નિર્ણયો લેવાય ત્યારે આ બધી વાતો ધ્યાનમાં નથી રખાતી. કેટલાક વળી એવી વાતો કરે છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ધાર્યું થયું છે ને ત્રણેય મુખ્ય પ્રધાન સંઘના માણસ છે.

ભલા માણસ, ત્રણમાંથી કોઈને સંઘ સાથે કંઈ લેવાદેવા નથી. વિષ્ણુદેવ સાઈ ૧૯૮૦ના દાયકામાં મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારમાં સૌથી પહેલાં સરપંચ તરીકે ચૂંટાયેલા. ભાજપને એ વખતે પોતાનો વિસ્તાર કરવા માટે યુવા નેતાઓની જરૂર હતી તેથી સાઈને ૧૯૯૦માં વિધાનસભાની ટિકિટ આપી ને એ જીતી ગયા તેમાં રાજકીય કારકિર્દી શરૂ થઈ ગઈ. મોહન યાદવ એબીવીપીના કાર્યકર તરીકે કારકિર્દી શરૂ કરીને આગળ વધ્યા છે.

ભજનલાલ શર્મા તો મૂળ ભાજપના પણ નથી. શર્માએ રાષ્ટ્રીય સામાજિક ન્યાય મંચ નામની પાર્ટીથી રાજકીય કારકિર્દી શરૂ કરેલી. લોકેન્દ્રસિંહ કલવી અને દેવીસિંહ ભાટીની આ પાર્ટીની ટિકિટ પર શર્મા ૨૦૦૩માં નદબઈ બેઠક પરથી લડેલા ને ૫,૬૦૦ મત જ મળતાં તેમની ડીપોઝિટ પણ ગયેલી.

વાસ્તવમાં રાજકારણમાં ઉપર બેઠેલા લોકો કહ્યાગરા અને ઢીલા માણસોને સત્તા સોંપે છે કે જેથી પોતાનું ધાર્યું થાય, પોતાની સામે અવાજ ના ઉઠે. પોતાના દાબમાં રહે એવા માણસોને સત્તા સોંપીને તેમને રીમોટ કંટ્રોલથી ચલાવી શકાય. બાકી જ્ઞાતિવાદી સમીકરણો ને એવું બધું ધ્યાનમાં રાખવાનું જ હોત તો રાજસ્થાનમાં સી.પી. જોશી બ્રાહ્મણ જ છે ને? તેમને કેમ મુખ્ય પ્રધાન ના બનાવાયા? મધ્ય પ્રદેશમાં ડૉ. મોહન યાદવ કરતાં મોટા ઓબીસી નેતા પ્રહલાદસિંહ પટેલ હતા જ ને? ભાજપે તેમને કેમ
પસંદ ના કર્યા. કારણ કે જોશી અને પટેલ કહ્યાગરા બનીને ના રહે.

આ તો બે નેતાનાં નામ આપ્યાં પણ જ્ઞાતિનાં સમીકરણો જ ધ્યાનમા રખાતાં હોત તો બીજા પણ જાણીતા નેતા છે જ. તેમને પણ તક નથી અપાઈ કેમ કે હાઈકમાન્ડને
હંમેશાં રાજ્યોમાં નબળા નેતા જ જોઈએ. જવાહરલાલ નહેરુએ એ કર્યું, ઈન્દિરા ગાંધીએ એ કર્યું ને મોદી પણ એ જ કરી રહ્યા છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ, હરિયાણામાં મોહનલાલ ખટ્ટર, કર્ણાટકમાં બસવરાજ બોમ્માઈ જેવા નેતા મોદીની મહેરબાનીથી જ મુખ્ય પ્રધાન બન્યા, બાકી ભાજપના વિકાસમાં કે જાહેર જીવનમાં પણ તેમનું એવું
કંઈ યોગદાન જ નથી. હવે ભજનલાલ શર્માનું નામ તેમાં ઉમેરાયું છે.

મોદી અત્યારે જેના નામ પર આંગળી મૂકે છે તેનો સિતારો ચમકી જાય છે એવું નહેરુ અને ઈન્દિરાના સમયમાં પણ બન્યું. નહેરુ અને ઈન્દિરાના સમયમાં મુખ્ય પ્રધાન બનેલા લોકોનાં નામ જોશો તો સમજાશે કે, એ વખતે પણ આવું જ ચાલતું ને કૈસે કૈસે લોગ કૈસે કૈસે થઈ જતા ને કૈસે કૈસે લોગ ઐસેવૈસે થઈ જતા. સાવ થર્ડ રેટ લોકો મુખ્ય પ્રધાન બનતા ને જેમનામાં તાકાત હતી એવા લોકો મોં વકાસીને જોઈ રહેતા.

મોદી એ જ નીતિને અનુસરી રહ્યા છે ને તેમાં ખોટું પણ કંઈ નથી કેમ કે ભાજપ અત્યારે જે કંઈ છે એ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે છે. આ સંજોગોમાં મોદી પોતાને મનફાવે એવા નિર્ણયો લઈ જ શકે. આ જ રાજકારણ છે ને મોદી પોતાનું વર્ચસ્વ જાળવવા માટે આ પ્રકારનું રાજકારણ રમે તેમાં કશું ખોટું નથી. જેમને આ રાજકારણ ના ફાવે એ સામે પડી શકે પણ કોઈ પડતું નથી કેમ કે બધાંને ખબર છે કે, ભાજપની સત્તા મોદીને આભારી છે. મોદી સામે પડીશું તો પતી જઈશું એ જ્ઞાન બધાંને છે તેથી જ સાવ નબળા નેતાઓને ગાદી પર બેસાડાય તો પણ શિસ્તના નામે સૌ ચૂપ રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button