છત્તીસગઢમાં નક્સલી હુમલામાં જવાન શહીદ, એક ઘાયલ
નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં બુધવારે નક્સલવાદીઓએ સુરક્ષાકર્મીઓની ટીમ પર હુમલો કર્યો હતો અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ કર્યા બાદ છત્તીસગઢ સશસ્ત્ર દળ (સીએએફ)નો એક જવાન શહીદ થયો હતો અને એકને ઇજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર છોટે ડોંગર પોલીસ સ્ટેશનની હદ હેઠળ આવતા આમદાઇ ઘાટીના કાચા લોખંડની ખાણ વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. નક્સવાદીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો અને પેટ્રોલિંગ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેના લીધે બન્ને પક્ષો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ અથડામણમાં સીએએફની નવમી બટાલિયન સાથે જોડાયેલા કોન્સ્ટેબલ કમલેશ સાહુનું આ ઘટનામાં મૃત્યુ થયું હતું જ્યારે અન્ય કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. શહીદ જવાન રાજ્યના જાંજગીર-ચંપા જિલ્લાનો વતની હતો. ઘાયલ જવાનને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.