આમચી મુંબઈ

પુણે લોકસભાની પેટાચૂંટણી લેવાનો હાઈ કોર્ટનો ચૂંટણી પંચને આદેશકેન્દ્રીય ચૂંટણી પંચના વલણને કોર્ટે વિચિત્ર અને ગેરવાજબી ગણાવ્યું

મુંબઈ: ભાજપના સાંસદ ગિરીશ બાપટના નિધન બાદ છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી ખાલી પડેલા પુણે લોકસભા મતદારસંઘમાં પેટાચૂંટણી લેવાનો આદેશ હાઈ કોર્ટે બુધવારે કેન્દ્રીય ચૂંટણી પંચને આપ્યો છે. આ ચૂંટણી ન લેવા બાબતે પંચને મળેલા સર્ટિફિકેટને પણ ન્યાયાધીશ ગૌતમ પટેલ અને ન્યાયાધીશ કમલ ખાતાની ખંડપીઠે મનમાની, લોકપ્રતિનિધિ કાયદાનું ઉલ્લંઘન કરનારું અને ગેરકાયદે હોવાનું કહીને તેને રદ કર્યું હતું. પુણેના રહેવાસી દ્વારા પુણે મતવિસ્તારમાં પેટાચૂંટણી ન કરાવવા માટે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા
સર્ટિફિકેટ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે પોતાનો આદેશ આપ્યો હતો.

અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી હોવાનું તેમ જ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત હોવાથી ભાજપના સાંસદ ગિરીશ બાપટના નિધન બાદ ખાલી થયેલી પુણે ખાતે લોકસભા મતદારસંઘમાં પેટાચૂંટણી લેવી કઠિન થઇ ગયું હતું, એવો દાવો કેન્દ્રીય ચૂંટણી પંચે સોમવારે થયેલી સુનાવણીમાં કર્યો હતો. એ અંગે શું પુણેમાં મણિપુર જેવી સ્થિતિ ઊભી થઇ હતી, એવો સવાલ કરીને કોર્ટે પંચે કરેલા દાવા અંગે સવાલ ઊભો કર્યો હતો. પંચનો આ દાવો ગળે ઊતરતો ન હોવાનું પણ કોર્ટે જણાવ્યું હતું.

કોઇ પણ સંસદીય લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન કરવામાં આવે છે જે લોકોનો અવાજ છે. જો પ્રતિનિધિ વધુ ન હોય તો તેને બીજા સ્થાને મૂકવું જરૂરી છે. નાગરિકો લોકપ્રતિનિધિ દ્વારા જઇ શકતા નથી. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને બંધારણીય માળખા માટે એ મૂળભૂત અણગમો છે, એવી નોંધ કોર્ટે કરી હતી. પુણેમાં પેટાચૂંટણી ન યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ અસલી મુશ્કેલીઓ નથી અને તેથી એ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. કોઇ પણ પ્રકારની અસુવિધા ચૂંટણી પંચ પર મૂકેલી વૈધાનિક અને બંધારણીય જવાબદારીઓ અને ફરજોને નબળી પાડી શકે નહીં. આ અકલ્પ્ય છે અને એ બંધારણીય માળખાને તોડફોડ કરવા સમાન છે, એવું કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું.

દરમિયાન પેટાચૂંટણી જો હવે લેવામાં આવશે તો વિજયી ઉમેદવારને ખૂબ જ ઓછા સમય માટે સાંસદ તરીકે રહેવા મળશે, એવો દાવો પંચ તરફથી કરવામાં આવ્યો હતો. આ અંગે અરજીકર્તાના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. પુણે લોકસભા મતદારસંઘનું પદ ખાલી થયા બાદ પણ પંચે અન્ય ઠેકાણે પેટાચૂંટણી લીધી હોવા અંગે અરજીકર્તાએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. કોર્ટે પણ તેની નોંધ કરી હતી. અરજીને મંજૂરી આપીને ખંડપીઠે પંચના સર્ટિફિકેટને રદ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે પુણેમાં પેટાચૂંટણી યોજવાનો નિર્દેશ કર્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button