નવી દિલ્હીઃ સંસદભવનમાં ઘૂસણખોરીના કિસ્સામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ચારેય જણ ગુરુગ્રામમાં રોકાયા હતા. ગુરુગ્રામના સેક્ટર સેવનની હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રોકાયા હતા, જેમાં ચારેયના કોમન ફ્રેન્ડ વિક્કી શર્મા મૂળ હિસારના રહેવાસી છે. દિલ્હી પોલીસે વિક્કી શર્મા અને તેની પત્નીની અટક કરી છે.
દિલ્હી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ મુદ્દે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, જ્યાં એન્ટિ ટેરર યુનિટ અને ગુપ્તચર એજન્સીના તમામ ઉચ્ચ અધિકારી પૂછપરછ કરી રહ્યા છે. સંસદભવનની બહારના પરિસરમાં ઘૂસનારા નીલમ અને અમોલની પાસે મોબાઈલ નહોતા. તેમની પાસે ન તો કોઈ આઈ કાર્ડ કે બેગ મળી નહોતી. આ બંને કોઈ સંગઠન સાથે સંકળાયેલા નથી. આ ષડયંત્રમાં સામેલ બે લોકો (સાગર શર્મા અને મનોરંજન)એ અંદર ધમાલ કરી હતી, જ્યારે બે જણે બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સંસદભવનની સુરક્ષા માટે અનેક દળોને તહેનાત કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આઈબી, પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ (પીડીજી) અને દિલ્હી પોલીસના જવાનો સમાવેશ થાય છે. આઈટીબીપી અને અન્ય જવાનોની પણ. પીડીજીમાં સીઆરપીએફના અધિકારી અને જવાનોનો સમાવેશ થાય છે. સંસદભવનની ઓવરઓલ સુરક્ષાની જવાબદારી પીડીજીની રહે છે. હાલના તબક્કે સંસદભવન અને પરિસરમાં ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરક્ષા દળના અધિકારીએ કહ્યું હતું કે હાલના તબક્કે તપાસ ચાલી રહી છે, પરંતુ જે તે જવાબદાર જૂથની બેદરકારી તો બહાર આવશે. સંસદભવનમાં ઘૂસી આવેલા લોકો અંગે સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવે સૌથી મોટો ખુલાસો કર્યો હતો કે પહેલા સંસદની અંદર, બહાર અને ગેલરી સિવાય ખુણે ખુણે સાદા કપડામાં જવાનો જોવા મળતા હતા, જ્યારે તેમની નજર પણ લોકો ઉપર રહેતી હતી.
આજના કિસ્સામાં ટીમના જવાનો જોવા મળતા નહોતા. સિવિલ ડ્રેસમાં પણ ઈન્ટેલિજન્સના લોકો જોવા મળે છે, પરંતુ એ ક્યાંય જોવા મળ્યા નહોતા. નવા સંસદભવનને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે તો પછી આટલી મોટી સુરક્ષામાં ચૂક કઈ રીતે થઈ શકે?
સંસદ ભવનના એન્ટ્રી પોઈન્ટ પર પણ વિઝિટર્સની તપાસ માટે દિલ્હી પોલીસને તહેનાત રાખવામાં આવે છે. સ્કેનર ડ્યુટી પર પણ દિલ્હી પોલીસના જવાનો હાજર હોય છે. જોકે, આ બનાવને કારણે હવે કદાચ સિવિલ ડ્રેસવાળી ટીમને ફરી તહેનાત કરી શકાય છે. આગામી દિવસોમાં સંસદભવનની એન્ટ્રી-એક્ઝિટ એવા સ્કેનર લાવી શકાય છે, જેમા પાઉડર, સ્મોક અને કેમિકલવાળા કેપ્સુલને ડિટેક્ટ કરી શકાય. એવું પણ શક્ય છે કે જે કોઈ સાંસદના પત્ર પર પાસ જારી કરવામાં આવે છે તેના પર અન્ય જવાબદારી આવી શકે છે.
Taboola Feed