પ્રસાદ મુદ્દે સિદ્ધિ વિનાયક મંદિરે લીધો આ નિર્ણય
મુંબઈઃ પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં વેચાતાં સાકરયુક્ત મોદક અને પેંડા હવેથી નહીં વેચવાનો નિર્ણય પૂજા સામગ્રી વિક્રેતા સેના એસોસિએશને લીધો છે. તેને બદલે હવે માવાનો પ્રસાદ મળશે તેમ જ મોદક અને પેંડાના પ્રસાદનો દર પણ નક્કી કરવામાં આવ્યા છે.
જો ખાંડયુક્ત મોદકનું વેચાણ થશે તો દુકાનનું લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવશે. સિદ્ધિવિનાયકના ભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે દુકાનદારોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. મંદિર પરિસરમાં આવેલી સત્તાવાર ખાનગી દુકાનોમાં મોદક અને પેંડાના પ્રસાદનું મોટું ટર્નઓવર છે.
ભક્તોના ધસારાના લાભ લઈને માવાના બદલે તેના જેવા જ મોદક અને પેંંડા ભક્તોને ઊંચા ભાવે વેચવામાં આવ્યા હતા. જેના કારણે છેતરાયેલા ભક્તો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સદા સરવણકરની નિમણૂક બાદ તેમણે ભક્તોના દર્શનના મુદ્દે કેટલાક મહત્વના નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. સરવણકરે અહીં પૂજા સામગ્રીના વિક્રેતાઓની સંયુક્ત બેઠક યોજી હતી અને મોદક, પેંડાના પ્રસાદ અને ફુલહારના સમાન દરો પર ચર્ચા કરી હતી.
નવા પ્રમુખ સરવણકરે તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. ભક્તો કોઈથી છેતરાય નહીં, તેમને યોગ્ય રીતે પીરસવામાં આવે, તેથી અમે બધા દુકાનદારોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે હવે આવા મોદક કે પેંંડાનું વેચાણ નહીં થાય. તમામ દુકાનો માટે એક સમાન દર નક્કી કરવામાં આવ્યો છે અને તેના બોર્ડ પણ તૈયાર છે. તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.