મુંબઈના આઠ દરિયા કિનારા પર કુલ ૨૪ ફરતા શૌચાલય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના આઠ દરિયાકિનારા પર આવતા પર્યટકો અને નાગરિકોની સુવિધા માટે ફરતા સ્વચ્છતા ગૃહ (શૌચાલય)ની સુવિધા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવવાની છે. તે માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી છે. દરિયા કિનારપટ્ટી પરિસરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અંતર્ગત તેમ જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નિર્દેશ અનુસાર પાલિકાના ઘનકચરા વિભાગ મારફત આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
દરિયા કિનારા પરિસરમાં આવનારા નાગરિકો અને પર્યટકોની સુવિધા માટે ફરતા શૌચાલય (મોબાઈલ ટોઈલેટ)ની સુવિધા તાત્કાલિક ઊભી કરવાનો પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહેલે આદેશ આપ્યો હતો. તે મુજબ ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
મુંબઈમાં ગિરગામ ચોપાટી પર બે, દાદર અને માહીમમાં આઠ, જૂહુમાં છ, વર્સોવામાં પાંચ, મઢ-માર્વેમાં એક અને મનોરી-ગોરાઈ પર બે એમ કુલ આઠ બીચ પર ૨૪ ફરતા શૌચાલયની સગવડ ઊભી કરવામાં આવવાની છે. આ શૌચાલયના સંચાલન અને દેખરેખની જવાબદારી કૉન્ટ્રેક્ટરની હશે.