જૉબ રૅકેટના માસ્ટરમાઈન્ડ પશ્ચિમ બંગાળમાં ઝડપાયા: 482 પાસપોર્ટ હસ્તગત
વિદેશમાં નોકરીની લાલચે રૂપિયા પડાવી આરોપી બોગસ વિઝા અને ઑફર લેટર પકડાવતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બબ્બે પ્લેસમેન્ટ એજન્સી શરૂ કરીને જૉબ રૅકેટ ચલાવનારા બે માસ્ટરમાઈન્ડની ક્રાઈમ બ્રાન્ચે પશ્ર્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. વિદેશમાં નોકરીની લાલચે રૂપિયા પડાવ્યા બાદ યુવાનોને બોગસ વિઝા અને ઑફર લેટર પકડાવનારા આરોપીઓ પાસેથી 482 પાસપોર્ટ હસ્તગત કરવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-5ના અધિકારીઓએ ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ પતિત પબન પુલીન હાલદાર (36) અને મોહમ્મદ ઈલિયાસ અબ્દુલ સત્તાર શેખ મન્સુરી (49) તરીકે થઈ હતી. બન્ને આરોપીને કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
આ કેસમાં પોલીસે અગાઉ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મુંબઈ પાસેના ભિવંડી ખાતેથી પાંચ આરોપીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 62 પાસપોર્ટ, સાત બનાવટી વિઝા, પાંચ કમ્પ્યુટર, સાત મોબાઈલ ફોન, 14 સિમ કાર્ડ, વિવિધ બૅન્કનાં 10 ડેબિટ કાર્ડ, રબર સ્ટેમ્પ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. પશ્ર્ચિમ બંગાળથી પકડાયેલા હાલદારને મન્સુરી પાસેથી 482 પાસપોર્ટ મળી આવતાં આ કેસમાં અત્યાર સુધીમાં 544 પાસપોર્ટ હસ્તગત કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ સીએસએમટી અને અંધેરી વિસ્તારમાં પ્લેસમેન્ટ એજન્સીની ઑફિસો ખોલી હતી. વિદેશમાં નોકરી ઇચ્છતા યુવાનોને આરોપીઓ ટાર્ગેટ કરતા હતા. અઝરબૈઝન, ઓમાન, દુબઈ, સઉદી અરેબિયા, કતાર અને રશિયામાં નોકરીની લાલચ આપી આરોપીઓ દરેક ઉમેદવાર પાસેથી 40થી 60 હજાર રૂપિયા પડાવતા હતા. રૂપિયા લીધા પછી આરોપી સંબંધિત દેશના બોગસ વિઝા અને બનાવટી ઑફર લેટર આપતા હતા. ઉમેદવારોને આ અંગે જાણ થયા પછી આરોપી ઉડાઉ જવાબ આપતા હતા. આખરે આરોપીઓ બન્ને ઑફિસને તાળાં લગાવી રફુચક્કર થઈ ગયા હતા.