સંસદમાં ઘૂસણખોરીની બે અલગ ઘટનાઓને પગલે વિધાનભવનમાં સુરક્ષા કડક બનાવાઈ
ફડણવીસે ઘૂસણખોરી કરનાર મહારાષ્ટ્રના અમોલ શિંદેની પોલીસ વડા પાસે માહિતી માગી
મુંબઈ: લોકસભામાં ઘૂસણખોરીની બે અલગ અલગ ઘટના બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાકીદે મહારાષ્ટ્રના પોલીસ વડાને બોલાવ્યા છે. આ ઘટનાનો આરોપી મહારાષ્ટ્રનો હોવાથી ફડણવીસે તેના વિશે વહેલામાં વહેલી તકે માહિતી મેળવવા માટેનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ લોકસભામાં બનેલી ઘટના બાદ વિધાનસભા સચિવે સુરક્ષાની સમીક્ષા કરી છે અને વિધાનસભા વિસ્તારમાં સુરક્ષાને ચુસ્ત બનાવવાના આદેશ આપ્યા હતા.
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે સમયે સુરક્ષા સંબંધિત બે ઘટના બની છે. એક ઘટનામાં બે યુવકોએ સંસદ વિસ્તારમાં ધુમાડાની મીણબત્તી પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય એક ઘટનામાં બે યુવકોએ ઓડિયન્સ ગેલેરીમાંથી નીચે ઊતરવાનો પ્રયાસ કર્યો હતો. બંને ઘટનાઓમાં ઘૂસણખોરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આમાંથી એક ઘટનામાં અમોલ શિંદે નામનો યુવક મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું.
સંસદભવનમાં બનેલી ઘટના બાદ હવે સાવચેતીના પગલારૂપે રાજ્યના વિધાનસભા ભવન વિસ્તારમાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના ઉપાધ્યક્ષે પણ વિધાનસભા પરિસરમાં સુરક્ષાને લઇને વિધાનસભા સચિવ પાસેથી માહિતી મેળવી હતી. બીજી બાજુ ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ વડાને આ અંગે અનેક સૂચનાઓ આપી હતી.
શું મરાઠા આરક્ષણ સાથે કનેક્શન છે: પૃથ્વીરાજ ચવ્હાણ
સંસદમાં બનેલી ઘટનાની અસર રાજ્યના સત્રમાં પણ જોવા મળી હતી. આ અંગે ચર્ચા કરતાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે આ ઘટનામાં અમોલ શિંદે નામનો યુવક મહારાષ્ટ્રનો છે. આ માટે આપણે એ જોવાનું રહ્યું કે શું આ કડી મરાઠા આંદોલન સાથે સંબંધિત છે. સંસદમાં બનેલી ઘટના બાદ વિધાનભવનની સુરક્ષાને લઇને પગલાં લેવાં જોઇએ. અમારે એ પણ જોવાનું રહ્યું કે જેઓ સૂત્રોચ્ચાર કરે છે અથવા સંસદમાં ઘૂસ્યા હતા તેઓ કઇ સંસ્થાના હતા. આપણે સમજવું પડશે કે તેઓ શું કહી રહ્યા છે અને જો તેઓ મરાઠવાડા કે પછી મહારાષ્ટ્રના છે તો અહીં પણ આવું થઇ શકે છે. જોકે વિધાનસભાના અધ્યક્ષે પણ એવી સૂચના આપી છે કે વિધાનસભાના વિસ્તારમાં પ્રવેશ કરતા સમયે દરેક સભ્યને ઓછામાં ઓછા બે પાસ આપવામાં આવશે.
કોણ છે અમોલ શિંદે
અમોલ શિંદે લાતુર જિલ્લાના ચકુર તાલુકાના થોરલી ઝરી ગામનો વતની છે. તેનું ભણતર ૧૨મા ધોરણ સુધીનું છે. તેનાં માતા-પિતા ખેતરમાં કામ કરે છે, જ્યારે તેનો એક ભાઈ શિક્ષક છે. અમોલ શિંદેની સાથી હરિયાણાના જીંદની રહેવાસી છે. તેના પિતા મીઠાઈની દુકાન ચલાવે છે. નીલમ ખેડૂતોના આંદોલનમાં પણ સક્રિય હતી. આ સાથે નીલમ હરિયાણા સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. પચીસમી નવેમ્બરે નીલમ ઘરે જવાનું કહીને એ જ્યાં પીજી તરીકે રહેતી હતી ત્યાંથી નીકળી ગઇ હતી.