વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન, ભાવુક થઈને કહી આ વાત
ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ કરોડો ભારતીયના દિલ તૂટી ગયા હતા. ટુર્નામેન્ટ ખતમ થયા બાદથી જ કેપ્ટન રોહિત શર્મા મીડિયા કવરેજથી દુર રહ્યો હતો. ફાઈનલ મેચ બાદ પ્રથમ વખત કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને તેને ભાવના વ્યક્ત કરી છે, કેપ્ટને રોહિતે કહ્યું કે હાર પછી ખબર ન હતી પડતી કે આ દર્દ કેવી રીતે દૂર કરવું.
સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં તેણે કહ્યું કે વર્લ્ડ કપ ફાઇનલમાં હારમાંથી કેવી રીતે બહાર નીકળવું એની ખબર નથી પડી રહી. તેણે કહ્યું, શરૂઆતના થોડા દિવસોમાં મને ખબર નહોતી પડતી કે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું. મારા પરિવારે, મારા મિત્રોએ મને આગળ વધવાના મદદ કરી. મારી આસપાસ વાતાવરણ ખુબ હળવું રાખ્યું, જે ખૂબ મદદરૂપ સાબિત થયું. આ હાર પચાવવી સહેલી નહોતી, પણ હાં, જિંદગી છે તો ચાલ્યા કરે. તમારે જીવનમાં આગળ વધવું જ પડે છે. પરંતુ પ્રામાણિકપણે કહું તો એ મુશ્કેલ હતું. આગળ વધવું એટલું સરળ ન હતું. હું હંમેશા 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું અને મારા માટે 50 ઓવરનો વર્લ્ડ કપ સૌથી મોટો પુરષ્કાર હતો.
રોહિતે કહ્યું અમે વર્લ્ડ કપ જીતવા માટે આટલા વર્ષો સુધી કામ કર્યું અને પછી જીતી શક્યા નહીં. આ નિરાશાજનક છે, જો તમને જે જોઈએ છે તે ન મળે, તમે લાંબા સમયથી જેની તલાશમાં હોઉં, તમે જેનું સપનું જોતા હતા એ ના મળે તમે નિરાશ થશો. અમે 10 મેચ જીત્યા અને હાં તે 10 મેચમાં અમે ભૂલો કરી તેથી અમે અમારી તરફથી શક્ય તે બધું કર્યું. પરંતુ આ ભૂલો દરેક મેચમાં થાય છે. તમે દરેક મેચમાં સમાન રીતે રમી શકતા નથી.
તેણે કહ્યું જો તમે બીજી બાજુ જુઓ તો મને ટીમ પર ગર્વ છે કારણ કે અમે જે રીતે રમ્યા તે બેજોડ હતું. તમને દરેક વર્લ્ડ કપમાં આવું પ્રદર્શન કરવાની તક મળતી નથી. એ ફાઈનલ પછી ટીમને રમતા જોઈને ખૂબ ગર્વ થાય છે. પાછું આવવું અને આગળ વધવું, ફરીથી શરૂ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, તેથી જ મેં નક્કી કર્યું કે મારે ક્યાંક જવું છે. પરંતુ પછી હું જ્યાં પણ હતો ત્યાં મને સમજાયું કે લોકો મારી પાસે આવી રહ્યા છે અને ત્યાં તેઓ દરેકના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે કે અમે કેટલું સારું રમ્યા.
રોહિતે કહ્યું હું દરેકની ભાવનાઓ સમજુ છું, હું ફેન્સની લાગણીઓને પણ અનુભવું છું, કારણ કે તેઓ બધા અમારી સાથે હતા. તેઓ અમારી સાથે વર્લ્ડ કપ ઉપાડવાનું સપનું જોઈ રહ્યા હતા. આ સમગ્ર વિશ્વ કપ અભિયાન દરમિયાન અમે જ્યાં પણ ગયા, ત્યાં દરેકનો ખૂબ જ સપોર્ટ મળ્યો.