સામાન્ય નાગરિક સંસદમાં કેવી રીતે પ્રવેશે મેળવી શકે છે? આ રીતે મેળવી શકાય પાસ
નવી દિલ્હી: લોકસભાની કાર્યવાહી દરમિયાન બે શખ્સો ગૃહમાં ઘુસી આવ્યા હતા અને સ્મોક કેન્ડલથી પીળો ધુમાડો છોડ્યો હતો, જેને કારણે ગૃહમાં અફરાતફરી મચી ગઈ હતી. બંને શખ્સો લોકસભા વિઝિટર તરીકે ગૃહમાં ઘુસી ગયા હતા. ત્યારે લોકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે સામાન્ય નાગરિક કઈ રીતે સંસદમાં જઈને કાર્યવાહી જોઈ શકે છે?
બંને શખ્સો મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસ લઈને અંદર આવ્યા હતા. સંસદની કાર્યવાહી દરમિયાન વિઝિટર ગેલેરીમાં પ્રવેશ માટે પાસ લેવો જરૂરી છે. પાસથી જ કોઈ પણ સંસદની અંદર જઈ શકે છે.
આ પાસ મેળવવા માટે એક ફોર્મ ભરવાનું રહે છે. આ ફોર્મ CPIC, લોકસભા રિસેપ્શન ઓફીસથી મેળવી શકાય છે અથવા લોકસભાની સત્તાવાર વેબસાઇટ https://sansad.in/poi in પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની રહે છે. તે પછી, અરજદારનું નામ, પિતાનું નામ, ઉંમર, વ્યવસાય, સ્થાનિક અને કાયમી સરનામું વગેરે જેવી જરૂરી વિગતો ભરવાની રહે છે. ફોર્મ ભરીને લોકસભા સાંસદ દ્વારા ચકાસવામાં આવે, ફોર્મ પર લોકસભા સાંસદ દ્વારા સહી અને સીલ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લોકસભા મતવિસ્તારના સાંસદ દ્વારા ફોર્મની ચકાસણી કરાવી શકે છે.
પાસ એક દિવસ અગાઉથી બનાવવામાં આવે છે. મતલબ, જો કોઈએ આવતીકાલની કાર્યવાહી જોવી હોય પાસ આજે જ બનાવવો જરૂરી છે. પાસમાં સમય આપવામાં આવ્યો હોય છે કે કોઈ કેટલા સમય સુધી કાર્યવાહી જોઈ શકો છો. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મંજૂરી નથી.