સંસદની કાર્યવાહી ફરીથી શરૂ, સ્પીકરે કહી આ વાત
નવી દિલ્હીઃ લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદી પડ્યા બાદ ગૃહમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો અને ભારે હોબાળો થયો હતો. હવે ગૃહમાં લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. ગૃહના સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સુરક્ષા પ્રત્યે ગંભીર હોવાની ખાતરી આપતાં કહ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે આ મામલો ઘણો ગંભીર છે, પરંતુ હાલમાં સાંસદોની સુરક્ષાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, અમે બધા ચિંતિત હતા કે આ ધુમાડો કયો હતો. પ્રાથમિક તપાસ મુજબ તે સામાન્ય ધુમાડો હતો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ઘટનાની પ્રાથમિક તપાસ થઈ ગઈ છે. હાલમાં આ ઘટના માટે કોઈને દોષી ઠેરવવામાં આવ્યા નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે સાંસદોના સૂચનોનો પણ અમલ કરવામાં આવશે. જો જરૂર પડશે તો સભાગૃહ માટે પાસ બનાવવાના નિયમો અને શરતોની પણ સાંસદોની મંજૂરી સાથે સમીક્ષા કરવામાં આવશે. તેમણે કહ્યું કેઆ ઘટનાની તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે, તે દરેક સાથે શેર કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે ગૃહમાં અચાનક કૂદી પડનાર અને કાર્યવાહી ખોરવી દેનારી બંને વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલશે.
સ્પીકરની પરવાનગી પર સાંસદોએ ગૃહની અંદરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સાંસદ નિઃશસ્ત્ર હતા. આવી સ્થિતિમાં જ્યારે બે લોકો અચાનક કૂદી પડ્યા ત્યારે સાંસદોની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. કેટલાક વધુ સાંસદોએ તેમની ચિંતા વ્યક્ત કરી હતી જેના પર સ્પીકરે કહ્યું હતું કે તેઓ દરેકના મંતવ્યો સાંભળવા તૈયાર છે.