WhatsAppમાં નથી મળતો મહત્વનો મેસેજ, તો આવી રહ્યું છે એપનુંનવું ફીચર
ડિજીટલ યુગમાં વોટ્સએપ સામાન્ય જીવન સાથે વણાઈ ગયું છે, ઘણા મહત્વના કાર્યો વોટ્સએપના માધ્યમથી થવા લાગ્યા છે. વોટ્સએપ પર હરરોજ આવતા સંખ્યાબંધ મેસેજીસ વચ્ચે મહત્વપૂર્ણ મેસેજ શોધવા ઘણીવાર મુશ્કેલ ટાસ્ક હોય છે. હવે મહત્વના મેસેજને પીન કરવા કંપની એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે મહત્વનું ફીચર લાવી રહી છે.
ચેટ્સ અને ગ્રૂપમાં આવેલો કોઈ મેસેજ તમે પિન કરશો તો એ ચેટ વિન્ડોની ટોચ પર દેખાશે. હાલમાં કંપની એક સમયે માત્ર એક જ મેસેજને પિન કરવાની સુવિધા આપી રહી છે. પિન ફીચરની મદદથી, તમને ચેટમાં ઉપયોગી મેસેજ શોધવામાં કોઈ સમય નહીં બગાડવો પડે. કંપની આવનારા સમયમાં એક કરતા વધુ મેસેજને પિન કરવાની સુવિધા આપશે. હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ સાથે ઉપલબ્ધ છે.
એન્ડ્રોઇડ ફોનમાં કોઈપણ મેસેજને પિન કરવા માટે, તમારે મેસેજ પર ટચ કરી રાખવું પડશે. આ પછી તમને પિન મેસેજનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરતા જ મેસેજ ચેટ વિન્ડોમાં સૌથી ઉપર પિન થઈ જશે. ટેક્સ્ટ મેસેજ ઉપરાંત ઇમેજને પિન પણ કરી શકાશે. iOS ફોનમાં મેસેજને પિન કરવા માટે, રાઈટ સ્વાઇપ કરવાનું રહેશે.
તમે એ પણ નક્કી કરી શકો છો કે તમે કેટલા સમય સુધી મેસેજ પિન રાખવા માંગો છો. વોટ્સએપ 24 કલાક, 7 દિવસ અને 30 દિવસનો ઓપ્શન આપે છે.
ગ્રૂપ એડમિનિસ્ટ્રેટર તમને આવું કરવાની પરવાનગી આપે તો જ તમને ગ્રુપમાં કોઈપણ મેસેજને પિન કરવાની મંજૂરી આપવામાં આવશે. પરવાનગી વિના તમે ગ્રૂપમાં મેસેજ પિન કરી શકશો નહીં.
હાલમાં, કંપની આ સુવિધાને તબક્કાવાર રીતે બહાર પાડી રહી છે જે ધીમે-ધીમે તમામ યુઝર્સને આ ફિચર મળશે.