આપણું ગુજરાતટોપ ન્યૂઝ

AAP વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે

ગાંધીનગર: ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપી દીધું હતું. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું, ભૂપત ભાયાણી હવે ભાજપમાં જોડાશે.

ભૂપત ભાયાણી રાજીનામું આપવા માટે કારણો અંગે નિવેદન આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં યોગ્ય પ્લેટફોર્મ મળતું ન હતું. આ સાથે તેમણે ભાજપમાં જોડાવવાના પ્રશ્ન અંગે કહ્યુ કે, એવું થઇ શકે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો હોય છે.


ભૂપત ભાયાણીએ કહ્યું કે હું ભાજપનો જ કાર્યકર હતો. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને મારે જનતા માટે કામ કરવાના છે. મેં મારા કાર્યકરોને પૂછીને આ નિર્ણય લીધો છે. ફરી ચૂંટણી થશે ત્યારે પાટીલ સાહેબ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો જે નિર્ણય હશે તે માન્ય રાખીશું. રાજીનામું આપતા પહેલા હું વિસાવદરની જનતાને મળ્યો હતો અને કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી હતી. મેં જનતા સાથે કોઇ દ્રોહ કર્યો નથી.


ભૂપત ભાયાણીના રાજીનામા સાથે વિધાનસભામાં સભ્યોની સંખ્યા 181 થઇ ગઈ છે. જ્યારે ગુજરાતમાં AAPના વિધાનસભ્યોની સંખ્યા ઘટીને 4 થઇ ગઈ છે. હવે ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા AAPના વિધાનસભ્યો છે.


અગાઉ પણ એવી અટકળો વહેતી થઇ હતી કે ભૂપત ભાયાણી AAP સાથે છેડો ફાડી દેશે. ગુજરાત વિધાસભા ચૂંટણી બાદ શપથવિધિ પહેલા પણ ભૂપત ભાયાણી અંગે ચર્ચાઓ વહેતી થઇ હતી કે તેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાઇ શકે છે. જોકે એ સમયે ચર્ચાઓ અફાવા સાબિત થઇ હતી. એ સમયે ભૂપત ભાયાણીએ વીડિયો શેર કરીને પોતે AAPમાં જ રહેશે એવી સ્પષ્ટતા કરી હતી.


એ સમયે તેમણે કહ્યું હતું કે હું પાર્ટીનો એક વફાદાર સૈનિક છું. જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી.


આખરે હવે તેમણે આમ આદમી પાર્ટીથી છેડો ફાડી લીધો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button