નવા સીએમ મોહન યાદવ પર JDUના નેતા કેમ ગુસ્સે ભરાયા
પટણા: મધ્યપ્રદેશ ચૂંટણીમાં ભારે મતથી જીત મળવ્યા બાદ ભારતીય ભાજપે મોહન યાદવને નલા સીએમ બનાવ્યા. ત્યારે જેડીયુએ ભાજપના આ પગલાને જાતિ જનગણના રિપોર્ટ જાહેર કર્યા બાદ સર્જાયેલા દબાણની અસર ગણાવી રહ્યું છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું હતું કે ભાજપના નિર્ણય પાછળનું કારણ જાતિ આધારિત વસ્તીગણતરી રિપોર્ટનું દબાણ છે. જેડીયુના પ્રવક્તાએ ટોણો મારતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગરીબીને જાતિ કહે છે અને હવે તેઓ જાતિના આધારે સીએમ બનાવી રહ્યા છે.
આ ઉપરાંત નીરજ કુમારે કહ્યું હતું કે મોહન યાદવે માતા સીતા વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. આથી યદુવંશી તેમને ભૂલશે નહીં. તેમજ મોહન યાદવના કારણે ભાજપે બિહારમાં કોઇ ફાયદો પણ નહિ થાય. બિહારમાં આજે પણ લાલુ ફેક્ટર કામ કરે છે. તેવામાં ભાજપના આ નેતા શું કરી લેવાના છે.
બિહાર ક્રાંતિની ભૂમિ છે, અહીં લાલુ યાદવની સામે કોઈ ટકી શકે નહીં. લાલુ યાદવના ભાઇ વીરેન્દ્રએ કહ્યું હતું કે અમે મોહન યાદવને ઓળખતા પણ નથી.
ઉલ્લેખનીય છે કે મોહન યાદવનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેણે રામ અને સીતાના વનવાસ પર ટિપ્પણી કરી હતી. મોહન યાદવે કહ્યું હતું કે રાવણ દ્વારા અપહરણ કરાયેલ માતા સીતાને રામ એક મોટું યુદ્ધ લડીને પરત લાવ્યા હતા. રઘુકુળની ગરિમાને કારણે ભગવાન રામે ગર્ભવતી હોવા છતાં સીતાનો ત્યાગ કર્યો અને તેણે પોતાના બાળકોને જંગલમાં જન્મ આપવો પડ્યો.
આજના જમાનામાં જ્યારે આવું થાય છે ત્યારે છૂટાછેડા લેવામાં આવે છે.
ભાજપે 11 ડિસેમ્બરના રોજ નવા સીએમના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ સીએમ શિવરાજ તેમજ નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ સહિતના તમામ દિગ્ગજ નેતાઓની અવગણના કરીને મોહન યાદવના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. અને ત્યારથી મોહન યાદવ કોઇના ને કોઇના નિશાના પર રહ્યા છે.