લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ, AAP વિધાનસભ્ય રાજીનામું આપશે!

ગાંધીનગર: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ હવે આગામી લોક સભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, આમ આદમી પાર્ટી(AAP)ના એક વિધાનસભ્ય રાજીનામું આપે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ વિસાવદરના વિધાન સભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપી શકે છે, તેઓ ભાજપમાં જોડાય એવી પણ અટકળો છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સુત્રોના જણાવ્યા મુજબ વિસાવદરના વિધાનસભ્ય ભૂપત ભાયાણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું સોંપશે. ભૂપત ભાયાણીના રાજીનામા સાથે વિધાનસભામાં સભ્યો 181 થઇ જશે. જ્યારે ગુજરાતમાં AAPના વિધાન સભ્યોની સંખ્યા ઘટીને 4 થઇ જશે. હાલ વિસાવદરથી ભૂપત ભાયાણી, ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા AAPના વિધાનસભ્યો છે.
અગાઉ પણ એવી અટકળો વહેતી થઇ હતી કે ભૂપત ભાયાણી AAP સાથે છેડો ફાડી દેશે. ગુજરાત વિધાસભા ચૂંટણી બાદ શપથવિધિ પહેલા પણ ભૂપત ભાયાણી અંગે ચર્ચાઓ વહેતી થઇ હતી કે તેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાઇ શકે છે. જોકે એ સમયે ચર્ચાઓ અફાવા સાબિત થઇ હતી. એ સમયે ભૂપત ભાયાણીએ વીડિયો શેર કરીને પોતે AAPમાં જ રહેશે એવી સ્પષ્ટતા કરી હતી.
એ સમયે તેમણે કહ્યું હતું કે હું પાર્ટીનો એક વફાદાર સૈનિક છું. જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી.
હવે ફરીથી એ જ પ્રકારની ચર્ચાઓ વહેતી થઇ છે.