નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે સંસદના શિયાળુ સત્રનો આઠમો દિવસે છે ત્યારે આજે એટલે કે 13મી ડિસેમ્બરે સંસદ પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાની વરસી છે. પીએમ નરેન્દ્ર મોદી વહેલી સવારે સંસદ ભવન પહોંચ્યા. અહીં તેમણે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ દરમિયાન પીએ મોદી સંસદ ભવન પર હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા અને તેમને સાંત્વના આપી. નોંધનીય છે કે પીએમ મોદી આજે મધ્ય પ્રદેશના સીએમના શપથ ગ્રહણમાં જવા પણ રવાના થશે.
ઉલ્લેખનીય છે કે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કરીને અંદર પ્રવેશ્યા હતા. તે સમયો હાજર સુરક્ષા દળોએ તેમની સામે જવાબી કાર્યવાહી કરી હતી. આ હુમલામાં છ દિલ્હી પોલીસ કર્મચારીઓ, બે સંસદ સુરક્ષા કર્મચારીઓ અને એક માળી માર્યા ગયા હતા. આજે તમામ સાંસદો વતી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી અને અન્ય નેતાઓએ હુમલામાં પોતાનો જીવ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.