નેશનલ

એઆઈના નૈતિક વપરાશ માટે માળખું ઘડી કાઢો: મોદી

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપકરણ આતંકવાદીઓના હાથમાં જઈ રહ્યું હોવાને કારણે ઊભા થયેલા વૈશ્ર્વિક જોખમ અને ભયને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈના નૈતિક વપરાશનું માળખું ઘડી કાઢવાની મંગળવારે હાકલ કરી હતી.

ગ્લોબલ પાર્ટનરશિપ ઑન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ ખાતે બોલતાં મોદીએ કહ્યું હતું કે ૨૧મી સદીમાં એઆઈ વિકાસ માટેનું સૌથી મોટું સાધન બની શકે છે એમ હોવાની સાથે સાથે એઆઈ વિનાશનું સૌથી મોટું કારણ પણ બની શકે એમ છે.

ડીપફેક્સ, સાયબર સિક્યોરિટી, ડૅટાની ચોરી ઉપરાંત એઆઈ પણ આતંકવાદીઓના હાથમાં આવી જાય તો વિશ્ર્વ માટે મોટું જોખમ ઊભું થઈ શકે એમ હોવાનું તેમણે કહ્યું હતું.

એઆઈથી સજ્જ સાધનો જો આતંકવાદીઓના હાથમાં પહોંચી જશે તો વૈશ્ર્વિક સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થશે, એમ તેમણે કહ્યું હતું.

જી-૨૦ના પ્રમુખપદ દરમિયાન ભારતે એઆઈ માટે જવાબદાર, માનવ આધારિત સંચાલન કરી શકાય તેવું માલખું ઊભું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમ વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે આપણી
પાસે વિવિધ કરાર અને શિષ્ટાચારના વિકલ્પો હોય છે તે જ પ્રમાણે એઆઈના નૈતિક વપરાશનું વૈશ્ર્વિક માળખું ઘડી કાઢવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

એઆઈથી સજ્જ અતિ જોખમી સાધનોના પરીક્ષણ અને ગોઠવણ માટેના શિષ્ટાચારનો પણ તેમાં સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

એઆઈના જવાબદાર અને નૈતિક વપરાશ માટે ભારત કટિબદ્ધ અને પ્રતિજ્ઞાબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

ભારતના ટૅક્નોલૉજી ક્ષેત્રમાં ક્રાન્તિ લાવવાની એઆઈમાં ક્ષમતા હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે સરકાર જલદી જ એઆઈ મિશન શરૂ કરશે.

એઆઈની દિશાનો આધાર લોકશાહી અને માનવ મૂલ્યો આધારિત હશે. નૈતિક, સામાજિક અને આર્થિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વપરાશ કરવામાં આવશે તો એઆઈ પરનો વિશ્ર્વાસ વધશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે એઆઈમાં આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની ક્ષમતા હોવા ઉપરાંત વિકાસના ક્ષેત્ર પણ તે લાંબાગાળાના અને ટકાઉ વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
જો ડૅટા સુરક્ષિત હશે તો પ્રાઈવસીની ચિંતાનો ઉકેલ લાવી શકાશે, એમ તેમણે કહ્યું હતું.

નિર્ધારિત સમયમર્યાદામાં આપણે આ માટેનું સંપૂર્ણ વૈશ્ર્વિક માળખું તૈયાર કરી દેવું પડશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વિશ્ર્વ અને માનવતાની પ્રગતિ તેમ જ સુરક્ષા માટે આ જરૂરી છે.
એઆઈને સર્વસમાવેશક બનાવવામાં આવશે તો જ તે વધુ સારા પરિણામ આપી શકશે, એમ તેમણે કહ્યું હતું.

એઆઈના સુરક્ષિત અને વિશ્ર્વસનીય વપરાશ માટે હાકલ કરતા તેમણે કહ્યું હતું કે એ માટે એઆઈ મારફતે ઊભી થતી માહિતીને કઈ રીતે વધુ વિશ્ર્વસનીય બનાવી શકાય તે ચર્ચાનો મુખ્ય મુદ્દો હોવો જોઈએ.

એઆઈ માત્ર નવી ટૅક્નોલૉજી નથી એ વૈશ્ર્વિક ગતિવિધિ છે, એમ તેમણે કહ્યું હતું.

એઆઈને વધુ પારદર્શક કઈ રીતે બનાવવું તે આપણાં પર નિર્ભર કરે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ડૅટા અને ગણતરીની પ્રક્રિયા તેમ જ નિયમો કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિનાના હોવા જોઈએ.

એઆઈના નૈતિક વપરાશ માટે માળખું ઘડી કાઢવા આપણેં સાથે મળીને કામ કરવું પડશે, એમ તેમણે કહ્યું હતું.

એઆઈના અનેક હકારાત્મક પાસાં છે, પરંતુ એનાં નકારાત્મક પાસાં પણ ચિંતાનો વિષય છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ