સેન્સેક્સ સિત્તેરનો થશે, હિરક મહોત્સવ ક્યારે?
આખલો આજકાલ ફોર્મમાં છે. શેરબજાર પાછલા શુક્રવારથી રોજ નવા શિખરો સર કરી રહ્યું છે. જોકે મંગળવારના સત્રમાં બજારે સહેજ પીછેહઠ કરી છે અને બજારના અભ્યાસુઓ અનુસાર નવી છલાંગ માટે આખલાએ પોરો ખાધો છે. સેન્સેક્સે મંગળવારે સતત બીજી વખત ૭૦,૦૦૦ની સપાટી વટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ના મળી. સેન્સેક્સને સિત્તેરનો થવામાં શું નડે છે અને તે કેટલો આગળ વધશે?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
શેરબજારમાં તેજી માટેના લગભગ તમામ પરિબળો એકત્ર થયા છે અને તેમાં સ્થાનિક તથા વિદેશી પરિબળોનો સમાવેશ થાય છે. દેશની જીડીપીના કે ઇન્ફ્લેશનના ડેટા હોય કે પછી ક્રૂડ ઓઇલના ભાવનો ઘટાડો અથવા તો અમેરિકન બોન્ડ યિલ્ડની પીછેહઠ! આખલાને તેજી માટેનો ભરપૂર ચારો મળી રહ્યો છે.
જોકે, બજારના નિરિક્ષકોના મતે આ બધા પરિબળોમાં અર્થકારણ કરતા શેરબજારને રાજકારણ વધુ ઇંધણ આપી રહ્યું છે. કેટલાક વિશ્ર્લેષકો માને છે કે, ચૂંટણી પહેલા સેન્સેક્સ ૭૩,૦૦૦ની સપાટી બતાવશે. અમુક એનાલિસ્ટ ફરીથી સેન્સેક્સ માટે એક લાખના આંકડાનું બ્યુગલ વગાડવા માંડ્યા છે, પરંતુ પોતાની આગાહીની કસોટી ના થઇ જાય એ માટે તેઓ છેક વર્ષ ૨૦૨૫ના અંત સુધીનો સમય આપે છે. આર્થાત જો આગાહી ખોટી પણ પડે તો ત્યાં સુધીમાં લોકો ભૂલી ગયા હોય! અલબત્ત, અત્યારે એકંદર પરિસ્થિતિ એવી છે કે તમે કોઇપણ દિશા સરળતાથી બતાવી શકો છો!
બજારને ઉર્ધ્વગતિ આપી શકે એવા લગભગ તમામ પરિબળો મોજૂદ છે. આ લખાઇ રહ્યું છે ત્યારે અમેરિકાની ફેડરલ રિઝર્વનો વ્યાજદર અંગેનો નિર્ણય જાહેર થયો નથી પરંતુ તે પણ અપેક્ષિત દિશાનો જ રહેવાની ધારણા છે. હવે હાલ તો એક જ મુખ્ય અવરોધ ઊંચા મૂલ્યાંકનનો છે, રોકાણકારોને પ્રોફિટ બુકિંગ તરફ દોરી જઇ શકે છે.
અમુક વિશ્ર્લેષકો એવી ચેતવણી આપી રહ્યાં છે કે જો કોઈ અણધારી ઘટના બને તો છાપરે પહોંચેલા મૂલ્યાંકન રોકાણકારોને ડરાવી શકે છે અને પરિણામે બેન્ચમાર્ક ભોંયભેગો થઇ શકે છે.
એ નોંધવું રહ્યું કે, આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી બેન્ચમાર્ક અનુક્રમે ૧૪ ટકા અને ૧૫ ટકા ઊછળ્યા છે. એક માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે, ૧૧ ડિસેમ્બરે સેન્સેક્સને ૭૦,૦૦૦ના અને નિફ્ટી ૨૧,૦૦૦ પોઈન્ટથી ઉપર ટ્રેડિંગ કરવા માટે પાનો ચડાવ્યો હોવાથી, ભારતીય ઈક્વિટી માર્કેટ ગોલ્ડીલોક મોમેન્ટમનો આનંદ માણી રહ્યું હોય તેવું લાગે છે. આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા સેન્સેક્સ ૭૩,૦૦૦ને આંબી જવાની તૈયારીમાં છે. આપણે શિર્ષકમાં જે હિરક મહોત્સવનો ઉલ્લેખ કર્યો છે, તે આને જ અનુલક્ષીને કર્યો છે.
એક ડેટા એનાલિસિસ અનુસાર ભારતીય શેરબજાર અત્યારે વૈશ્ર્વિક સ્તરે સૌથી મોંઘું બજાર બની રહ્યું છે. અને બજારમાં પ્રવાહિતાનું જે પ્રમાણ છે, તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો આંતરપ્રવાહ ફરી શરૂ થઇ રહ્યો હોવાથી તે નજીકના ગાળામાં પણ મોંઘું રહેશે, એવું લાગે છે.
આ પરિસ્થિતિમાં જો કોઇ અણધારી ઘટના ઘટે તો ઊંચું મૂલ્યાંકન જોતા ઝડપી અને જબરદસ્ત પ્રોફિટ બુકિંગ આવી શકે અને બજારમાં સારું કરેક્શન જોવા મળી શકે છે. હાલની વાત કરીએ તો વર્તમાન ગતિ આગામી થોડા મહિનામાં બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સને ૭૩,૦૦૦ના સ્તરે લઈ જઈ શકે છે, કારણ કે શાસક પક્ષે ત્રણ રાજ્યોની ચૂંટણીઓમાં મેળવેલી તાજેતરની જીતથી સામાન્ય લોકો અને રોકાણકારોમાં સ્થિર સરકારનો આશાવાદ જાગ્યો છે. આવતા વર્ષે ચૂંટણી નજીક આવશે તેમ તેમ રાજકારણ અને અર્થકારણના ભેળસેળ વચ્ચે બજારને વધુ ગતિ મળશે.
અહીં રોકાણકારોએ એક વાત નોંધવી જોઇએ કે મોટાભાગના વિશ્ર્લેષકોના મંતવ્યોમાં ઊંચા મૂલ્યાંકન સંદર્ભે સાવચેતીની ચેતવણી પણ રહી છે. જોકે એ વર્ગ એવું પણ માને છે કે, વિકસિત અથવા ઉભરતા બજારોની સરખામણીમાં ભારત પ્રીમિયમ વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ તે વ્યાજ દરની ટોચની સ્થિતિમાં નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે સાત ટકા વૃદ્ધિના ભારતના મજબૂત જીડીપી અનુમાનના આધારે વાજબી છે.
આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત એ છે કે, તાજેતરમાં નાના શેરોમાં મોટી હલચલ જોવા મળી છે. જોકે, પીઢ અનુભવીઓ કહે છે કે, રોકાણકારોએ મિડકેપ અને સ્મોલકેપ કરતાં લાર્જકેપ સ્ટોક્સની પસંદગી કરવી જોઇએ, કારણ કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત ક્વાર્ટર પછી વેલ્યુએશન વધુ આકર્ષક બન્યા છે.
બીજી તરફ, એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે બીએસઈ સેન્સેક્સ સાથેના વેલ્યુએશન ગેપને કારણે તેઓ સ્મોલકેપમાં કેટલાક કરેક્શનની સંભાવના છે. રોકાણકારોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે નાના શેરોમાં નોંધપાત્ર કરેક્શનની સંભાવના છે.
એક અભ્યાસ અનુસાર સેન્સેક્સની સરખામણીમાં સ્મોલકેપ લગભગ ત્રીસ ગણાં પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. ઐતિહાસિક રીતે, જ્યારે સ્મોલકેપ અને સેન્સેક્સ વચ્ચે વેલ્યુએશન ગેપ હોય છે, ત્યારે કરેક્શન આવે છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧૪ ટકા અને ૧૫ ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ સ્મોલકેપ અને મિડકેપ શેરઆંકો આ સમયગાળામાં ૪૩ ટકા અને ૪૦ ટકા વધ્યા છે. સરવાળે સાવધ રહો અને શેરની પસંદગી સાવચેતીપૂર્વ કરો, મુંબઇ સમાચાર ક્યારેય રોકાણ કરવાની સલાહ આપતું નથી, માત્ર માહિતી આપીએ છીએ. જોખમો ધ્યાનમાં રાખો. નિષ્ણાતોની સલાહ લઇને આગળ વધો, બાકી સેન્સેક્સ માટે હિરક મહોત્સવ નિકટ જ લાગે છે.