આઇપીએલ જેવી ફ્રેન્ચાઇઝી લીગ નહી રમે આ ક્રિકેટર
ઢાકાઃ બાંગ્લાદેશના મહાન ઓલરાઉન્ડર અને કેપ્ટન શાકિબ અલ હસન હવે આઇપીએલ અને પીએસએલ જેવી ફ્રેન્ચાઇઝી ટી-20 લીગમાં રમતો જોવા મળશે નહીં. તેણે વધુ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. હવે તે પોતાનું ધ્યાન માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર જ રાખવા માંગે છે. તેણે પોતે આ વાત કરી હતી.
શાકિબે કહ્યું હતું કે મેં આઈપીએલ માટે મારું નામ આપ્યું ન હતું. પછી જ્યારે મારા મેનેજરે પીએસએલ માટે મારું નામ મોકલ્યું હતું ત્યારે મેં તેને લીગમાંથી મારું નામ પાછું ખેંચવા કહ્યું હતું. તેથી હવે મારું નામ પીએસએલમાં પણ જોવા મળશે નહીં. મારી યોજના હવે મારો બધો સમય રાષ્ટ્રીય ટીમ માટે ફાળવવાની છે.
વધુમાં શાકિબે કહ્યું હતું કે હું અત્યારે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમી રહ્યો છું. હું તેને યથાવત રાખવા માંગું છું. જોકે ભવિષ્યની કોઈને ખબર નથી. પરંતુ અત્યારે મારી ઈચ્છા લાંબા સમય સુધી ક્રિકેટ રમતા રહેવાની છે.
શાકિબ અલ હસન વર્લ્ડ કપ 2023માં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. કેપ્ટનશિપની સાથે સાથે તે બોલિંગ અને બેટિંગમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. શાકિબ હાલ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ જ કારણ છે કે વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તે ટીમની બહાર હતો.