આઈએસઆઈએસ મહારાષ્ટ્ર મોડ્યુલ કેસમાં 20થી વધુ લોકોની પૂછપરછ
મુંબઈ: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ સિરિયા (આઈએસઆઈએસ)ના કથિત મહારાષ્ટ્ર મોડ્યુલનો પર્દાફાશ કરનારી નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મુંબઈ, થાણે અને બેંગલુરુમાં 20થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવેલા શકમંદોમાં અરીબ માજીદનો પણ સમાવેશ થાય છે. કલ્યાણમાં રહેતો માજીદ 2014માં આઈએસઆઈએસમાં જોડાવા માટે સિરિયા ગયો હતો. નવેમ્બર, 2014માં ભારત પાછા ફરેલા માજીદની એનઆઈએએ ધરપકડ કરી હતી. હાલમાં તે જામીન પર છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે એનઆઈએએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 44 સ્થળે દરોડા પાડ્યા હતા. આઈએસઆઈએસ માટે આતંકવાદી પ્રવૃત્તિ સાથે કથિત રીતે સંકળાયેલા 15 જણને થાણે જિલ્લાના પડઘામાંથી પકડી પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના પડઘા, થાણે, કલ્યાણ, મીરા રોડ અને પુણે તેમ જ કર્ણાટક અને બેંગલુરુમાં સર્ચ દરમિયાન શસ્ત્રો, રોકડ, ડિજિટલ ડિવાઈસીસ અને હમાસના ધ્વજ જપ્ત કરવામાં આવ્યા હતા.
એનઆઈએએ દરોડા દરમિયાન જપ્ત કરેલી સામગ્રીને આધારે વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પણ મહત્ત્વની માહિતી મળી રહી હોવાનું કહેવાય છે. તેને આધારે જ અધિકારીઓએ વધુ લોકોની પૂછપરછ હાથ ધરી હતી.