સ્પોર્ટસ

અંડર-19 એશિયા કપઃ નેપાળ સામે ભારતની શાનદાર જીત

બરોડાના ફાસ્ટ બોલરે ભારતને સેમિ ફાઇનલમાં પહોચાડ્યું

દુબઇઃ દુબઇમાં રમાઇ રહેલા અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે ભારતનો 10 વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે ભારતે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતની જીતનો હિરો બરોડા ક્રિકેટ ટીમ તરફથી રમનાર ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ 13 રન આપીને સાત વિકેટ ઝડપી હતી.

નેપાળને 22.1 ઓવરમાં માત્ર 52 રનમાં આઉટ કર્યા બાદ ભારતે અર્શિન કુલકર્ણી (43 અણનમ)ની શાનદાર ઇનિંગની મદદથી 7.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. છેલ્લી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આઠ વિકેટે હારેલી ભારતીય ટીમે નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે કોઈ પણ ભોગે છેલ્લી લીગ મેચ જીતવી જરૂરી હતી. નેપાળ પ્રથમ બે મેચ હાર્યા બાદ રેસમાંથી બહાર થઈ ગયું હતું. નેપાળ તરફથી કોઈ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહોતો.

જોકે, લિંબાણીનું આ પ્રદર્શન અંડર-19 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ભારતીય બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નથી. પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે લાહોરમાં 2004 જૂનિયર એશિયા કપમાં બાંગ્લાદેશ સામે 16 રન આપીને નવ વિકેટ ઝડપી હતી. નેપાળ તરફથી હેમંત ધામીએ સૌથી વધુ આઠ રન કર્યા હતા. જ્યારે અર્શિને તેની ઇનિંગમાં પાંચ સિક્સર ફટકારી હતી.
રાજ લિંબાણી કચ્છના લખપત તાલુકાના દયાપર ગામનો વતની છે અને હાલમાં બરોડા ક્રિકેટ ટીમ તરફથી રમે છે.

રાજના પિતાનું નામ વસંત પટેલ અને માતાનું નામ સાવિત્રી પટેલ છે. રાજને નાનપણથી ક્રિકેટનો બહુ શોખ હતો. તેથી તેના પિતાના મોટાભાઈ મણિલાલ પટેલ રાજને ક્રિકેટર બનાવવા વડોદરા લઇ ગયા હતા જ્યાં રાજે ક્રિકેટની ટ્રેનિંગ મેળવી હતી. તેણે બરોડા ક્રિકેટ એસોસિયેશનના મોતીબાગ કોચિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લીધી છે. રાજે બરોડામાં વિદ્યુતનગર વિદ્યાલયમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button