પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા અમેરિકન પ્રમુખ ભારત નહીં આવે
યુએસ પ્રમુખ જો બાઇડેન જાન્યુઆરી 2024માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેશે નહીં. અમેરિકન સત્તાવાળાઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભારતે આવતા વર્ષે જાન્યુઆરીમાં ક્વોડ લીડર સમિટની યજમાનીના ભાગરૂપે રાષ્ટ્રપતિ બાઇડેનને ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. આ સમિટ 2024ના જાન્યુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા હતી, પણ હવે ક્વોડના ભાગીદાર દેશોને તેમના વ્યસ્ત શેડ્યુલને કારણે આ સમય માફક નહોતો આવતો. તેથી હવે આ ક્વાડ સમિટ 2024ના અંતમાં યોજવાની દરખાસ્ત છે.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં નક્કી કરવામાં આવેલી તારીખ માટે ક્વોડના તમામ ભાગીદારોની સહમતિ નહોતી, કારણ કે તેમના સમયપત્રક ઘણા વ્યસ્ત છે. હકીકતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં જાપાનના હિરોશિમામાં G-7 સમિટમાં જાહેરાત કરી હતી કે ભારત આગામી ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. ક્વાડમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાનનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રદેશને સુનિશ્ચિત કરવાનો અને સમર્થન આપવાનો છે.