સ્પેશિયલ ફિચર્સ

એ સાહિત્યકાર જેમને કર્ફ્યુમાં પકડીને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા, પછી પોલીસ અધિકારીએ ગઝલ સાંભળી

એ સાહિત્યકાર જેમને કર્ફ્યુમાં પકડીને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા, પછી પોલીસ અધિકારીએ ગઝલ સાંભળી
“હું ઓફિસથી પાછો ઘરે જઇ રહ્યો હતો, સૂમસામ રોડ પર મને ચાલતો જતો જોઇને પોલીસવાળાએ મને રોક્યો.”
“બગીચામાં ફરવા નીકળ્યા હો એમ તમે તો ફરો છો ને?”

“હું ઑફિસથી ઘરે જઈ રહ્યો છું.”
“પણ કર્ફ્યુ લાગ્યો છે એની તમને ખબર નથી?”
‘ખબર છે.’
‘છતાં તમે નીકળી પડ્યા?’
‘મારી પાસે કર્ફ્યુ પાસ છે.’
‘એમ? દેખાડો.’


મેં એને કર્ફ્યુ પાસ દેખાડ્યો. પાસ પોતાના હાથમાં લઈને ત્રણ વાર પાસને જોયો અને ત્રણ વાર મારી તરફ જોયું. પછી એ બોલ્યો- ‘ચાલો, ગાડીમાં બેસી જાવ.’ મને ડર લાગ્યો. મને થયું કે નહિ જાઉ તો મને ડંડા મારશે. એના કરતા બેસી જવા દે. હું જીપમાં બેસી ગયો.

એ પોલીસવાળો છેક મને એની કેબિન સુધી લઇ ગયો, ખુરશી પર બેસાડ્યો, કોન્સ્ટેબલને બોલાવીને ચા મંગાવી. અને પછી કહે, “હા તો ખલીલ સાહેબ! સરસ મજાની ગઝલ સંભળાવો તો!”

ગુજરાતી ગઝલો જ્યારે મૃતપ્રાય અવસ્થામાં હતી ત્યારે તેમાં પોતાની અવનવી રચનાઓથી પ્રાણ પૂરીને ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠી કરનાર સાહિત્યકાર ખલીલી ધનતેજવીની આજે જન્મજયંતિ છે.

“વાત મારી જેને સમજાતી નથી
એ ગમે તે હોય, ગુજરાતી નથી.”


12 ડિસેમ્બર, 1935ના રોજ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. તેઓ ફક્ત 4 ધોરણ સુધી જ ભણ્યા હતા, પરંતુ જીંદગીની વિષમતાઓ, સંઘર્ષ અને હાડમારી વેઠીને પ્રાપ્ત કરેલું જ્ઞાન અને ડહાપણ તેમની ગઝલોમાં છલકાતું. પ્રખ્યાત જગજીતસિંહ જ્યારે “અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું…” એ ગઝલ રજૂ કરતા ત્યારે શ્રોતાઓ તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લેતા પરંતુ ઘણા ઓછાને એ વાત ખબર હશે કે આ ગઝલ આપણા ગુજરાતી શાયર ખલીલ ધનતેજવીએ લખી હતી.
સાહિત્ય ક્ષેત્રે એમણે પહેલીવાર વાર્તા લખીને નવલકથાઓ પણ લખી. ‘મુકામ પોસ્ટ ઝાકળ’, ‘ભરચક એકાંત’, ‘એક મુઠ્ઠી હવા’, ‘સાંજ પડેને સુનું લાગે’, ‘લોહી ભીની રાત’, ‘નગરવધૂ’, ‘કોરી કોરી ભીનાશ’ સહિતની નવલકથાઓ ખલીલભાઇએ ગુજરાતી સાહિત્યને આપી છે. શબ્દ સાથેનો એમનો સંબંધ ફક્ત ગઝલને લીધે બંધાયો, એવું નથી, તેમણે તો ફિલ્મોના નિર્માણ-નિર્દેશન પણ કર્યાં છે. ‘ખાપરો ઝવેરી’, ‘ડો.રેખા’ એમની ફિલ્મના નામ છે. ‘ચુંદડી ચોખા’ ફિલ્મના સંવાદ એમણે લખ્યા હતા. તેમની સૌથી વધુ વખણાયેલી એક ફિલ્મ ‘છુટાછેડા’ના લેખન અને નિર્દેશન માટે એમને એવોર્ડ પણ મળ્યા છે.

“ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો..”


તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં તો ખેતરમાંથી ચારો વાઢ્યો છે. ચારાનો ભારો ઉપાડીને હું ઘરે આવતો, ત્યારે મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે હું પત્રકાર બનીશ કે શાયર બનીશ કે ગઝલકાર બનીશ. ફક્ત 27 રૂપિયા લઇને હું ધનતેજ ગામથી વડોદરા આવ્યો હતો, મારી માતા સાથે આવવા રાજી નહોતા, ઘણી સમજાવટ પછી એ તૈયાર થયા.” તેવું ખલીલ ધનતેજવી જણાવે છે.

ખલીલ ધનતેજવી તેમની માતા સાથેનો પ્રસંગ વાગોળતાં કહે છે કે, “હું લખતો હોઉં ત્યારે ઘણીવાર મારી માતા આવીને મને કહે, આમ આખો દિવસ લખી લખીને આંખો ફોડ્યા કરે છે, એના કરતા કંડક્ટર બની ગયો હોત તો!”

“મેં કહ્યું કે કંડક્ટર શું કામ, તો કહે કે સરકારી નોકરી ન કહેવાય?”

“હું જે કમાયો, પ્રસિદ્ધિ મેળવી એની માતાને કોઈ કિંમત નહીં, પણ હું કંડક્ટર ન બન્યો એનો એમને વસવસો રહી ગયો!”
ખલીલ ધનતેજવીના સાહિત્યની સૌથી મોટી ખાસિયત હતી હળવી શૈલીમાં માર્મિક વાત કહી દેવી. તેમની અનેક પ્રસિદ્ધ રચનાઓમાંની એક છે..

“વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને”


ખલીલની ગઝલોમાં આધ્યાત્મિકતા ન હોવા છતાં આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. દરેક કન્ટેન્ટનો જેમ યુએસપી (યુનિક સેલિંગ પોઇન્ટ) હોય એમ ખલીલનો યુએસપી તેમની સરળ શૈલીમાં સામાન્ય માણસ જે જિંદગી જીવે તેવી વાતો હતી. સાવ સાદા અંદાજમાં જીવનના પરિવર્તનો, સમાજનો અસલી ચહેરો તેઓ લોકોની સામે રજૂ કરી દેતા. છેક છેવાડાનો ઓછું ભણેલો માણસ પણ સમજી જાય, અને સાહિત્યિક આલંકારિક ભાષાના શબ્દોની કોઇ ઉણપ પણ ન વર્તાય તેવું ખલીલની ગઝલોમાં મહેસૂસ થતું. આ જ વાતને લીધે યુવાપેઢી પણ તેમની ગઝલોનો આસ્વાદ માણે છે. મુશાયરામાં તેઓ મોઢે જ ગઢલો વાંચતા.
તેમની આત્મકથા ‘સોગંદનામું’ અત્યંત લોકપ્રિય થઇ હતી. તેમણે લખ્યું છે, ‘આ સોગંદનામું રજૂ કર્યા પછી મારે કશું કહેવાનું રહેતું નથી. જે રીતે જીવાયું, એ બધું એની મેળે જીવાયું અને એ રીતે જીવ્યો છું, બસ એનું આ જ સોગંદનામું.’

તેમને 2019માં ગુજરાતી ભાષાનો ગૌરવવંતો નરસિંહ મહેતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એ સિવાય પણ તેમને ગુજરાતી સાહિત્યમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને 2022માં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 4 એપ્રિલ 2021ના રોજ તેમનું નિધન થયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button