દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઓમર અબદુલ્લાને મોટો ઝટકો, આ કારણે તલાક થયા નામંજૂર
નવી દિલ્હી: પત્ની પોતાના પર ક્રૂરતા આચરી રહી હોવાનો આરોપ મુકી જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઓમર અબદુલ્લા દિલ્હી હાઇકોર્ટ સામે તલાકની ગુહાર લગાવી રહ્યા છે. તેમણે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પત્નીથી છૂટાછેડા લેવાની અરજી કરી હતી. પરંતુ નીચલી અદાલતે તેમની અરજી ફગાવી દીધી હતી. આ પછી ઓમરે ઉપરી અદાલતનો સંપર્ક કર્યો હતો. પંરતુ જસ્ટિસ સંજીવ સચદેવાની આગેવાની હેઠળની હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો છે, જેમણે ઓમર અબ્દુલ્લાને તેની પત્નીથી છૂટાછેડા આપવાનો ઈન્કાર કર્યો હતો. આમ, ઓમર અબદુલ્લાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ફેમિલી કોર્ટના આદેશમાં ડિવિઝન બેન્ચને કોઈ ખામી જણાઈ ન હતી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના એ આદેશ સાથે સંમત થયા હતા જેમાં જણાવાયું હતું કે પાયલ અબ્દુલ્લા સામે ઓમર અબ્દુલ્લા દ્વારા કરવામાં આવેલા ક્રૂરતાના આરોપો ઘણા અસ્પષ્ટ છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, “ઓમર અબ્દુલ્લા કોઇપણ રીતે પીડિત નથી, તેમના દ્વારા પાયલ અબ્દુલ્લા પર મુકવામાં આવેલા ક્રૂરતાના કોઈપણ આરોપોમાં સ્પષ્ટતા નથી. તેઓ શારીરિક તેમજ માનસિક ક્રૂરતાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે. અમને અપીલમાં કોઈ યોગ્યતા દેખાતી નથી. આથી તેને ફગાવી દેવામાં આવે છે તેવું દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું.
તેમણે ફેમિલી કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી. ક્રૂરતાના આરોપો પણ સ્પષ્ટ ન હતા કે પાયલ તેને કેવી રીતે હેરાન કરતી હતી. જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ વિકાસ મહાજનની ખંડપીઠે કહ્યું કે અપીલમાં કોઈ યોગ્યતા નથી.
નેશનલ કોન્ફરન્સ નેતા ઓમર અબ્દુલ્લાએ તેમના પત્ની પાયલ અબ્દુલ્લાથી ક્રૂરતાના આધારે છૂટાછેડા માંગ્યા હતા. 30 ઓગસ્ટ, 2016ના રોજ ટ્રાયલ કોર્ટે અબ્દુલ્લાની છૂટાછેડાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ઓમર અબ્દુલ્લા તેમના ક્રૂરતા અથવા પરિત્યાગના તેમના દાવાને સાબિત કરી શક્યા નથી, જેના આધારે તેમની છૂટાછેડાની અપીલ ગ્રાહ્ય રાખી શકાય.