લોકસભામાંથી હાંકી કાઢવામાં આવેલ મહુઆએ સરકારી નિવાસસ્થાન ખાલી કરવું પડશે…
નવી દિલ્હી : કેશ ફોર ક્વેરીના આરોપસર તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ મહુઆએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ તે પહેલા જ સરકાર મહુઆ સામે કેટલાક પગલાં લઇ રહી છે જે મુદ્દે આજે તેમણે તેમનું સરકારી આવાસ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અહેવાસ પ્રમાણે લોકસભા હાઉસિંગ કમિટીએ મહુઆ મોઇત્રાને ફાળવેલ સરકારી મકાન ખાલી કરવા માટે શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખ્યો હતો. મહુઆ મોઇત્રાને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વિશેષ ક્વોટામાં આવાસ આપવામાં આવ્યું હતું.
લોકસભાની એથિક્સ કમિટીએ એ અહેવાલ સ્વીકાર્યો હતો જેમાં મોઇત્રા પર કેશ ફોર ક્વેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમજ તેને અનૈતિક અને અયોગ્ય વર્તનના માટે જવાબદાર માનવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ચર્ચા બાદ આઠ ડિસેમ્બરના રોજ લોકસભામાં મોઇત્રાની હકાલપટ્ટી માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે અવાજ મતથી મંજૂર કર્યો હતો. મોઇત્રાને ચર્ચામાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક જ નહોતી મળી. મહુઆએ હકાલપટ્ટી બાદ લોકસભાની તુલના કાંગારૂ કોર્ટ સાથે કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર વિપક્ષને ઝૂકવા માટે દબાણ કરવા માટે લોકસભાની એથિક્સ કમિટીને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.
અગાઉ એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબે દ્વારા મહુઆ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ પર સમિતિનો પ્રથમ અહેવાલ ગૃહમાં રજૂ કર્યો હતો. દુબેએ ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદરાયની ફરિયાદના આધારે આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી રોકડ અને ભેટોના બદલામાં લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતા. તેમજ હિરાનંદાનીએ પણ 19 ઓક્ટોબરે એથિક્સ કમિટીને આપેલા સોગંદનામામાં સ્વીકાર્યું હતું કે મહુઆએ તેમને લોકસભા સભ્યોની વેબસાઇટ માટે તેમનું લોગિન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો.