શ્રીનગર: 11 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખતો ચુકાદો આપ્યો તેમજ વધુમાં કોર્ટે સપ્ટેમ્બર 2024માં ચૂંટણી યોજવા માટે પણ જણાવ્યું હતું. કલમ 370 નાબૂદ કર્યાનો ચુકાદો આવ્યા બાદ દેશભરમાંથી અતગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સંસદમાં પણ ઉગ્ર ચર્ચા થઈ હતી.
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જવાહરલાલ નેહરુની ભૂલોને કારણે કાશ્મીરની સમસ્યા સર્જાઈ હતી. તેમના આવા નિવેદન બાદ કોંગ્રેસના સાંસદોએ હોબાળો કરવાનું શરૂ કરી દીધું હતું. જેના પર અમિત શાહે ટોણો મારતા કહ્યું કે અરે તમે બધા બેસો અને સાંભળો, આ ત્રણ પરિવારોએ જે ભૂલ કરી છે…તેમનો સાધો ઈશારો ગાંધી પરિવાર, અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવાર તરફ હતો કે જે પરિવારોને ઘણા લાંબા સમય સુધી કાશ્મીર પર શાસન કર્યું હતું.
સોમવારે રાજ્યસભામાં કલમ 370 પર બોલતા કેન્દ્રીય ગૃહ પ્રધાને ખૂબજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના વિલીનીકરણમાં વિલંબ પંડિત જવાહરલાલ નેહરુને કારણે જ થયો હતો. ત્યારે હાલના સમયમાં કોંગ્રેસને પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વાંધો છે. હું કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોને વધારે સમજાવી શકતો નથી કારણ કે મારી એક મર્યાદા છે.
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા વિધેયક અને આરક્ષણ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તમામ લોકો જાણે છે કે જો વચ્ચે અચાનક જ યુદ્ધવિરામ ન થયો હોત, તો પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર આજે અસ્તિત્વમાં જ ન હોત.
જવાહરલાલ નહેરુએ જ આપેલું એક નિવેદન તમને બધાને વાંચી સંભળાવું ગમશે… જેમાં લખ્યું હતું કે તમે બધા માનો કે ના માનો અમે ભૂલ કરી છે. અને તે ભૂલને સ્વીકારો…આ ઉપરાંત નહેરુ મેમોરિયલમાં હાજર એક પુસ્તકનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે તત્કાલીન વડા પ્રધાને પોતે કાશ્મીરને લઈને પોતાની ભૂલ સ્વીકારી હતી.