હવે 12મું પાસ તલાટી નહીં બની શકે! સ્નાતક ડિગ્રી ફરજીયાત, પંચાયત વિભાગનો નિર્ણય
![](/wp-content/uploads/2023/12/Exam.webp)
ગાંધીનગર: તલાટીની ભરતી પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. તલાટીની ભરતી પરીક્ષા આપવા માટે ન્યુનતમ લાયકાતમાં બદલાવ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગે જણાવ્યા મુજબ હવેથી તલાટીની પરીક્ષા આપવા માટે સ્નાતક કક્ષાનું શિક્ષણ ફરજીયાત રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તલાટીની પરીક્ષા આપવા માટે ધોરણ 12 પાસ હોવું પુરતું હતું.
અત્યાર સુધી ધોરણ 12 પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો પણ તલાટીની પરીક્ષા આપી શકતા હતા. હવે ઉમેદવારોએ ફરજીયાત સ્નાતક કક્ષા સુધીની ડિગ્રી મેળવવાની રહેશે, જે પછી જ પરીક્ષામાં તેઓ ઉમેદવારી નોંધાવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તલાટીની પરીક્ષામાં પેપર લીક થઇ જવાની ઘણી ઘટનાઓ બની હતી, જેને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ વર્ષે મે મહીનામાં જ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની નજર હેઠળ પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષામાં ઉતીર્ણ થયેલા 3014 તલાટી કમ મંત્રીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.
તલાટી-કમ-મંત્રી પર ગ્રામ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યોની જવાબદારી હોય છે. તેઓ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી હતી. જેમાંએવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે.