ઓપરેશન થિયેટરમાં હતા મોહન યાદવના તબીબ પુત્રી, પહેલા પોતાની ફરજ નિભાવી.. પછી જ ઉજવણીમાં થયા સામેલ
મધ્યપ્રદેશ: ભોપાલમાં ધારાસભ્ય દળની બેઠક બાદ જ્યારે ડો. મોહન યાદવને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા તે સમયે ડો. મોહન યાદવ સહિત તેમના સમગ્ર પરિવારને એક સુખદ આશ્ચર્ય થયું હતું. કારણકે કોઇને સપનામાં પણ અંદાજ નહોતો કે આવું બનશે. ડો. મોહન યાદવની પુત્રી આકાંક્ષા યાદવે એક પત્રકારને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે જ્યારે તેને સમાચાર મળ્યા કે તેના પિતાને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે, ત્યારે તેણે શું પ્રતિક્રિયા આપી હતી.
ડો. મોહન યાદવની પુત્રી ડોક્ટર આકાંક્ષા યાદવે મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે જે સમયે તેને આ ગુડ ન્યુઝ મળ્યા તે સમયે તે હોસ્પિટલમાં એક ઓપરેશન કરી રહી હતી. જો કે આનંદની આ ક્ષણો વચ્ચે તેણે પહેલા પોતાની ફરજ નિભાવી, સફળતાપૂર્વક દર્દીનું ઓપરેશન પાર પાડ્યું અને પછી ઘરે પહોંચીને પરિવાર સાથે ઉજવણીમાં સામેલ થઇ.
ડોક્ટર આકાંક્ષાએ જણાવ્યું હતું કે હોસ્પિટલથી લઇને ઘર સુધી સમગ્ર વાતાવરણ આનંદમય હતું. લોકો ફટાકડા ફોડી રહ્યા હતા, ઢોલ-નગારા વગાડી રહ્યા હતા. તેમજ એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી રહ્યા હતા. પરિવારમાં જાણે કોઇ તહેવાર ઉજવાઇ રહ્યો હોય તેવો માહોલ હતો. મોહન યાદવના પરિવારમાં પિતા-પત્ની, 2 પુત્રો અને એક પુત્રી છે.
ભારતીય જનતા પાર્ટીએ સોમવારે અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના નેતા અને ત્રીજી વાર વિધાનસભ્ય બનનાર મોહન યાદવની મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે પસંદગી કરીને મોટું આશ્ચર્ય સર્જર્યું હતું. ભાજપના મધ્યપ્રદેશ એકમના વડા વી. ડી. શર્માએ કહ્યું હતું કે ભાજપ વિધાનસભા પક્ષે 58 વર્ષના યાદવની નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા અને આને લીધે તેમનો મુખ્યપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. બેઠક બાદ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપનાર શિવરાજ સિંહ ચૌહાણે યાદવનું નામ સૂચવ્યું હતું.
પક્ષના નિરીક્ષકોની હાજરીમાં ભોપાલમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક યોજાઈ હતી. યાદવ કદી મુખ્યપ્રધાનપદ માટેના મજબૂત દાવેદાર નહોતા. જો કે ભાજપે આ ત્રણે નેતાઓની વરણી કરીને એક સાથે અનેક સમીકરણો રચ્યા છે અને ભૂગોળ તથા જાતિની કેમિસ્ટ્રી મારફતે 2024 લોકસભા ચૂંટણી પહેલાં મતબેંકના ગણિતને મજબૂત કરવાની કોશિશ કરી છે.