નેશનલ

JNUના નવા નિયમ: શૈક્ષણિક ઇમારતોની 100 મીટરના વિસ્તારમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ

દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ તરીકે શાંતિશ્રી ધુલીપુડી પંડિતને નિમાયા બાદ યુનીવર્સીટીના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, શૈક્ષણિક ઈમારતોના 100 મીટરની અંદર પોસ્ટર ચોંટાડવા અને વિરોધ પ્રદર્શન કરવા પર 20,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અથવા સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. શૈક્ષણિક ઇમારતોમાં વર્ગખંડો અને પ્રયોગશાળાઓ સિવાય વિવિધ શાળાઓના અધ્યક્ષો, ડીન અને અન્ય અધિકારીઓની કચેરીઓનો સમાવેશ થાય છે.

અગાઉ, હાઈકોર્ટના આદેશ પર, વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, પ્રોક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની કચેરીઓ ધરાવતા વહીવટી બિલ્ડિંગના 100 મીટરની અંદર દેખાવો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે, હવે ચીફ પ્રોક્ટર ઓફિસ (CPO) ના સુધારેલા નિયમો મુજબ, યુનિવર્સિટીએ વર્ગખંડની જગ્યાઓ તેમજ શૈક્ષણિક ઇમારતોની 100 મીટરની અંદર પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. સુધારેલા નિયમો અનુસાર, કોઈપણ ધર્મ, જાતિ અથવા સમુદાય પ્રત્યે અસહિષ્ણુતાને ઉશ્કેરવા અથવા ‘રાષ્ટ્ર વિરોધી’ પ્રવૃત્તિ માટે 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.


JNUની ઈન્સ્ટિટ્યૂટ ઑફ લેંગ્વેજ સ્ટડીઝની ઈમારતની દિવાલ પર ઓક્ટોબરમાં ‘રાષ્ટ્રવિરોધી’ સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે વહીવટી તંત્રએ કેમ્પસમાં આવી ઘટનાઓ અંગે વિચારણા કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. JNU વિદ્યાર્થી સંઘે નવા નિયમોનો વિરોધ કર્યો છે અને તેને વિરોધી વિચારોને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. વિદ્યાર્થી સંઘે આ મેન્યુઅલ પરત ખેંચવાની માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button