પાલિકાએ બિલ ન ભરતા ભરૂચ શહેરમાં અંધારપટ્ટઃ ગુજરાતના ઘણા શહેરો પર તોળાતું સંકટ
ભરૂચઃ ગુજરાતીમાં કહેવત છે પાડાને વાંકે પખાલીને ડામ. ભરૂચમાં રહેતા લોકો આ સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. તેમણે તો પોતાના વીજબિલ ભર્યા છે, પરંતુ પાલિકાએ બિલ ન ભરતા તેમણે અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. ભરૂચ નગરપાલિકાએ લાઈટ બિલની ચૂકવણી ન કરતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે.
ભરૂચ શહેરમાં અંધારપટ છવાતા વેપારીઓની ચિંતા વધી છે. લાખો કરોડો રૂપિયાનું લાઈટ બિલ બાકી પડતા વર્ષમાં ત્રીજી વખત ભરૂચ નગરપાલિકાના વીજ કનેક્શનનો કપાયા છે. આથી જાહેર સ્થળો, સ્ટ્રીટલાઈટ્સ વગેરે બંધ છે. એક અહેવાલ અનુસાર આ સ્થિતિ સર્જાતા હાલમાં પાલિકાના સત્તાધીશોએ પોતાના મોબાઈલ બંધ કરી દીધા છે અને લોકોની ફરિયાદોને ધ્યાન આપતા નથી.
શહેરમાં પાંચબત્તી નગરપાલિકા રોડ, સ્ટેશન રોડ સોનેરી મહેલ રોડ મહંમદપુરા શ્રવણ ચોકડી શક્તિનાથ સહિત તમામ વિસ્તારોમાં અંધારપટ જોવા મળ્યો હતો. ભરૂચમાં લગભગ 35 મીટરોના કનેક્શન કાપતા 2000થી વધુ સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહેતા વેપારીઓ પરેશાન છે અને ચોરીનો ભય તેમને સતાવી રહ્યો છે. એક તો શિયાળામાં અંધારું વહેલું થાય, વળી ઠંડીના લીધે બહાર માહોલ પણ સુમસામ હોય છે. આખા ભરૂચ શહેરમાં અંધારપટ છવાતા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.
જોકે આ એક માત્ર પાલિકા નથી, ગુજરાતમાં લગભગ દોઢસોથી વધારે પાલિકા છે જેણે વીજબિલ અથવા પાણીવેરો ભર્યો નથી, તેથી તેમની માથે વીજ કે પાણીનુંસંકટ તોળાઈ રહ્યું છે. એક નાનકડો ખેડૂત વીજબિલ ન ભરે તો તેને કાયદાની તમામ પરોજણોમાંથી પસાર થવું પડે છે ત્યારે આખી પાલિકાએ બિલ ન ચૂકવ્યું હોય તો તેમણે જનતાને હિસાબ આપવો જોઈએ, પરંતુ તેમ થતું નથી.