ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને કહ્યું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે..
જેરુસલેમ: છેલ્લા ઘણા સમયથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વચ્ચે થોડો સમય માટે યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો પરંતુ યુદ્ધ વિરામનો સમય પૂરો થતાં તરતજ ફરી હમાસે ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે પણ હમાસ પર રોકેટથી હુમલા શરૂ કર્યા હતા. ત્યારે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે નિવેદન આપતા કહ્યું હતું કે ગાઝામાં હમાસ સામેનું યુદ્ધ ઇઝરાયલ તેના લક્ષ્યો હાંસલ કર્યા પછી જ સમાપ્ત કરશે. હાલમાં ઉત્તરી ગાઝા પટ્ટીમાં હમાસની જબાલિયા અને શેજૈયા બટાલિયનને ઇઝરાયલી સેનાએ ખતમ કરી દીધી છે.
ગેલન્ટે પોતાના નિવેદનમાં એ શબ્દો પર ભાર મૂક્યો હતો કે અમે નક્કી કર્યું છે કે હમસને ખતમ કરીને જ રહીશું અમે જ્યારે અમારા લક્ષ્યો પૂરા થશે ત્યારે જ યુદ્ધનો અંત આવશે.
આ ઉપરાંત તેમને કહ્યું હતું કે હું અમેરિકાની મદદને હૃદયથી સ્વીકારું છું અને જો અમેરિકા ફરી દબાવ બનાવશે અને તેના કારણે અમારા બંધકોને હમાસ છોડશે તો તેના માટે હું હમાસ સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર છું. પરંતુ જો હમાસ કોઈની વાત માનવા તૈયાર નહીં થાય તો તેની જે બટાલિયન સૌથી મજબૂત કહેવાતી હતી. તે બટાલિયનનો આજે ઇઝરાયલી સેના એ સંપૂર્ણ નાશ કરી દીધો છે અને આગામી સમયમાં હમસની પણ એજ હાલત થશે. જ્યાં સુધી અમારા બંધકો અમને સહી સલામત નહિ મળે અને જ્યાં સુધી હમાસ હથિયાર હેઠા મૂકીને શરણાગતિ નહિ સ્વીકારે ત્યાં સુધી અમે યુદ્ધ કરતા રહીશું.
તેમને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે થોડા દિવસ પહેલા હમાસના ઘણા આતંકવાદીઓએ ઇઝરાયલી સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.