શ્ર્વાસ-ઉચ્છ્વાસનાં જ્ઞાન-વિજ્ઞાન-અજ્ઞાન
આપણી કાયાને ધબકતી રાખે-ચેતનવંતી રાખે એ શ્ર્વાસ- ઉચ્છવાસ વિશે આપણે કેટલું જાણીએ છીએ ?
‘આરોગ્ય + પ્લસ ’ -ભરત ઘેલાણી
જાણીતા યુવા કવિ પ્રણવ પંડ્યા એક નિયમિત કોલમ લખે છે,જેનું નામ
છે : શ્ર્વાસનું રિ-ચાર્જ . નામ રુપકડું છે- પહેલી નજરે ધ્યાન ખેંચે એવું છે, કારણ કે અહીં આપણી જિંદગીને ધબકતી રાખતાં એવા મહામૂલા માત્ર શ્ર્વાસની જ વાત નથી થઈ- એના રિ-ચાર્જની પણ વાત થઈ છે એટલે કે શ્ર્વાસને પુન: ચેતનવંત કરવાની વાત થઈ છે..
અગાઉ નિરંતર ચાલતી શ્ર્વાસની ક્રિયા-પ્રક્રિયા પર આપણે નહીંવત ધ્યાન આપતા,પણ આજના આ કપરા કાળમાં પેલી શ્ર્વાસ નામની જણસ ખૂબ અગત્યની થઈ ગઈ છે.
‘શ્ર્વાસ’ અને ‘ પ્રાણવાયુ ’ -આ બે શબ્દ આપણા માટે મહા મોંઘેરા થઈ ગયા છે.
તમને અચાનક કોઈ પૂછે :
‘તમને શ્ર્વાસ લેતા આવડે છે?’ ત્યારે તમને લાગે : ‘આ તે કેવો વાહિયાત સવાલ?! ’
આમ તો માના ગર્ભમાંથી શિશુ બહાર આવે ત્યારે એને કોઈએ શ્વાસ કેમ લેવો એ શીખવવું નથી પડતું. ગર્ભાશયમાંય એનાં શ્ર્વાસ ચાલતા જ હોય છે. એ એની જન્મજાત ક્રિયા- પ્રક્રિયા છે, જે એની આવરદા પૂરી થાય ત્યાં સુધી અવિરત ચાલે,સિવાય કે એના શ્ર્વસનતંત્રમાં કોઈ ઊણપ સર્જાય ત્યારે એ ક્રિયા ખોરવાઈ ન જાય એ માટે જોઈતા ઉપાય યોજવા પડે.
શ્ર્વાસ તો આપોઆપ લેવાતો રહે છે, પણ એ પૂરતું નથી. આપણા ઋષિમુનિઓથી લઈને અત્યારના બ્રીધિંગ એક્સ્પર્ટની શીખ મુજબ જો તમે ખરી રીતે-સાચા પ્રકારે શ્ર્વાસ-ઉચ્છ્વાસની ક્રિયા- પ્રક્રિયા કરો તો આ અવનિ પર ધાર્યું નહીં હોય એથી લાંબું આયખું ભોગવી શકશો.
બ્રીધિંગ- શ્ર્વસનક્રિયા વિશે તો જાણીતા નાટ્યકારોથી લઈને કવિ-ચિંતકોએ પણ એમની શૈલીમાં સચોટ વાત કરી છે. શેક્સપિયરે શ્ર્વાસની વાત એ રીતે રજૂ કરી હતી કે કોણ શ્ર્વાસ કઈ રીતે લે છે તેના પરથી એના મનની વાત -લાગણી પારખી શકાય છે ! કવિ થોમસ હૂડે તો એમના એક કાવ્યમાં એમ પણ કહ્યું કે અસ્તવ્યસ્ત શ્ર્વાસથી નિરાશ પ્રેમીને ઓળખી કાઢવો સહેલો છે. એનું આવું ‘ઈરેગ્યુલર બ્રીધિંગ’ લાંબું ચાલે તો એ મોતને નોતરે છે.. એવી ચેતવણી પણ કવિ હૂડે કાવ્યની એક પંક્તિમાં આપી હતી..!
આવા નાટ્યલેખક- કવિ- ચિંતકોની વાત બાજુ પર રાખીએ તો બ્રીધિંગના એક્સપર્ટ- શ્ર્વાસના પારખુ – નિષ્ણાત એમના સંશોધન-તારણના આધારે કહે છે કે શ્ર્વાસ-ઉચ્છ્વાસ તેમજ પ્રાણાયામની ખરી રીતથી હૃદયરોગ- દમ-બ્લડપ્રેશર-ડિપ્રેશન -અનિદ્રા ઈત્યાદિ જેવા રોગનો સફળતાપૂર્વક સામનો કરીને એના પર અંકુશ મેળવી શકાય છે.
છેલ્લાં ત્રણ - ચાર દાયકાથી ધરતીનું હવામાન વણશી રહ્યું છે .
જય-વાયુ પ્રદૂષણ આજે વૈશ્ર્વિક પ્રશ્ર્ન બની ગયો છે. એ ઝડપભેર વધીને હવા- વાતાવરણમાં રહેલા પ્રાણવાયુનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટાડી રહ્યું છે.
ડો.રોબર્ટ ફ્રાઈડ જેવાં બ્રીધિંગ એક્સપર્ટ કહે છે કે એક સમયે વાતાવરણ – હવામાં ૩૮ % ઑક્સિજન રહેતો હતો, જે આજે ઘટીને ૨૧ % પર પહોંચી ગયો છે. એ જ રીતે હવામાં આજે નાઈટ્રોજનનું પ્રમાણ ભયજનક રીતે ૭૮ % સુધી પહોંચી ગયું છે..
બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે ફેફસાં-હદયમાં પ્રાણવાયુ પહોંચાડવા માટે વધુ ને વધુ શ્રમ કરવો પડે છે.એમાં અધૂરામાં પૂરું , કોરોના વાઈરસના તીવ્ર આક્રમણે આપણા બધાનાં ફેફસાંની દશા એવી બદતર કરી નાખી છે કે આપણને હવામાંથી જોઈતો ઑક્સિજન મેળવવા માટે પણ રીતસર હવાતિયા મારવા પડે છે..
આપણા ઋષિ અને ગુરુઓ કે વૈદીક વિદ્યાના જાણકારો જરૂર દૂરંદેશી હશે એટલે આજ જેવી સ્થિતિ- પરિસ્થિતિ ન સર્જાય એ માટે સદીઓ પૂર્વે આપણા ઋષિમુનિઓ શ્ર્વાસના નિયમન માટે પ્રાણાયામ અને મેડિટેશન-ધ્યાન ધરવાની રીત શિષ્યોને વિશેષ શીખડાવતા. ચીનમાં તો ઝૈન ધર્મના ગુરુઓ મેડિટેશન -પ્રાણાયામ ઉપરાંત શ્ર્વાસ લેવાની ખરી પદ્ધતિ માટે બ્રીધિંગની ૧૧૨ જેટલી રીતની પણ શિષ્યોને રીતસર
તાલીમ આપતા..
વિખ્યાત વિચારક ઓશો રજનીશ તો ત્યાં સુઘી કહેતા કે જ્યાં સુધી તમે શ્ર્વાસ-ઉચ્છ્વાસની આખી કુદરતી રમત -પ્રક્રિયા સારી રીતે જાણી-સમજી ન લો ત્યાં સુધી તમે ધ્યાનના ક્ષેત્રમાં પ્રવેશી પણ શકતા નથી. હકીક્તમાં ‘શ્ર્વાસ એ તમારી હયાતી એટલે કે જાગૃતિ અને નિદ્રા વચ્ચેનો સેતુ છે…. ’
આજે પણ કોરોના જેવા જીવલેણ વાયરા દરમિયાન શરીરની અને એમાંય ખાસ કરીને ફેફસાં જેવાં અગત્યનાં અંગની પ્રતિકારક શક્તિ વધારવા શ્રઅવાસના સાયન્સને ખાસ સમજી લેવું જરૂરી છે. બધા જાણે છે કે આપણે શ્ર્વાસ – ઉચ્છ્વાસની ક્રિયા નિરંતર કરતા રહીએ છીએ-મોટાભાગે અભાનપણે. સામાન્ય સંજોગમાં માણસ પ્રતિ મિનિટે ૧૮-૨૦થી ૨૫ શ્ર્વાસ લે છે, પણ જો આપણે આ શ્વાસ લેવાની ક્રિયા- પ્રક્રિયા સભાનપણે ઘટાડીને ૮થી ૧૦ શ્ર્વાસ સુધી કરી શકીયે તો શરીરને ઘસારો ઓછો પહોંચે અને જેમ જેમ આ ક્રિયાની આપણી પ્રેકટિશ વધે- અભ્યાસ વધે એ સાથે આપણા શ્ર્વાસ ઊંડા થાય -ધીમા પડે પરિણામે મન અંદરનો કોલાહલ ઘટે છે પછી આપણું ચિત્ત આપોઆપ હળવાશ અનુભવશે,કારણ કે મનને શ્ર્વાસ સાથે સીધો સંબંધ છે, જેમકે એક ઉદાહરણ તરીકે તમે કોઈ પર ઉશ્કેરાઈ જાવ તો શ્ર્વાસ કેવો અચાનક ઝડપથી ચાલવા માંડે છે..!
અલબત્ત, શ્ર્વાસને ઈરાદાપૂર્વક ધીરા પાડવાની ક્રિયા-પ્રક્રિયા આડેધડ ન કરાય. એ ફાયદા કરતાં નુકસાનકારક વધુ સાબિત થઈ શકે. યોગશિક્ષક જેવા જાણકારનું માર્ગદર્શન લેવું જોઈએ.
શ્ર્વાસની વાત નીકળે એટલે પ્રાણાયામ વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે.પ્રાણાયામની એક સર્વમાન્ય અને સરળ પરિભાષા એ છે કે ધીરે ધીરે શ્ર્વાસ સહજ રીતે અંદર લેવો પછી એ જ સહજતાથી શક્ય હોય ત્યાં સુધી અંદર રોકવો પછી એટલી જ સહજતા જ બહાર કાઢવો.. માત્ર એક જ વાક્યમાં આ વાત કરવી હોય તો શ્ર્વાસોચ્છ્વાસની ગતિનું નિયમન એટલે પ્રાણા્યામ, પરંતુ શરૂઆતમાં સભાનપણે એ શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયામાં આપણે જબરજસ્તી સામેલ નહીં થવાનું. આ આખીયે ક્રિયા-પ્રક્રિયા કુદરતી હોવી જોઈએ
જો કે, આગળ જતા તમે જેમ જેમ શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયામાં સભાન રીતે અભ્યસ્ત થતા જશો -માહેર થશો પછી શ્ર્વાસ-ઉશ્ર્વાસ પર કઈ રીતે સભાનપણે નિયંત્રણ મેળવવું એનો ખ્યાલ આવતો જશે. અચાનક કોઈ ઘટના બને ત્યારે એની સર્વપ્રથમ પ્રતિક્રિયા આપણા શ્ર્વાસ આપે છે. ન ગમતી ઘટના હશે તો આપણાં શ્ર્વાસ ઝડપથી ચાલવા માંડશે- આપણે તણાવમાં આવી જશું, પણ જો સભાનપણે શ્ર્વાસ પર નિયમન રાખતા આવડી ગયું હશે તો અવસર યોગ્ય પ્રતિક્રિયા આપીને આપણા આરોગ્ય પરની આડ -અસર ટાળી શકીશું.
અહીં પ્રાણાયામ-ક્રિયાના ત્રણ તબક્કા પણ કયા કયા શબ્દથી ઓળખાય છે એ પણ ટૂંકમાં જાણી લઈએ
શ્ર્વાસ શરીરમાં અંદર ખેંચવાની ક્રિયા ‘પૂરક’ તરીકે- શરીર અંદર શ્ર્વાસ રોકી રાખવાની ક્રિયાને કુંભક અને એ જ શ્ર્વાસને શરીરની બહાર કાઢવાની ક્રિયા રેચક તરીકે ઓળખાય છે.
આમ તો પ્રાણાયામ કરવાની અલગ અલગ અનેક રીત છે. એનું એક અલાયદું શાસ્ત્ર છે- વિજ્ઞાન છે,જેને આપણે અહીં સ્થળસંકોચને લીધે ટાળવું પડશે. આમ છતાં , પ્રાણાયામના ઉત્સાહીઓએ વિશેષ જાણી લેવું જરૂરી છે કે શ્ર્વાસનો આ વ્યાયામ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી અચૂક ટાળવો, કારણ કે આ બન્ને વેળા વાતાવરણ-હવા વધૂ પ્રદૂષિત હોય છે..
આમ તો છૂટાછવાયા કિસ્સાના અપવાદ સિવાય કોરોનાનું જોખમ આજે ઘટી રહ્યું છે તેમ છતાં કોરોના-કાળ દરમિયાન આપણે શ્ર્વાસ અને પ્રાણાયામ વિશે જે વિશેષ સભાનતા કેળવી એનો સચોટ ઉપયોગ આપણે અન્ય રોગ-બીમારીમાં પણ કરી શકીએ,કારણ કે શ્ર્વાસ લેવાની સાચી રીત આપણી આયુ વધરી શકે છ